પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭પ )

મનના બંધારણનો સ્વાભાવિક ધર્મ છે કે જ્યારે કોઈપણ એક વિચાર ઘણો પ્રબળ થાય છે ત્યારે તે બીજી સઘળી વૃત્તિઓને નિર્બળ કરી નાંખે છે. એ વખતે બીજી વૃત્તિઓનું કંઈ ચાલતું નથી, પણ જ્યારે તે બળવાન વિકાર શાંત થાય છે ત્યારે તેનું જોર નરમ પડે છે, અને તેથી તે નીચે બેસે છે, અને બીજા જે વિકારો દબાયેલા હતા તેઓ સઘળા જોર પકડી ઉપર આવે છે, તેણે કરીને તે માણસને પાછળથી ઘણું દુ:ખ થાય છે. એ પ્રમાણે માધવને બન્યું. અને સિદ્ધપુરના રૂદ્રમાળાની પગથાર ઉપર તે રાત્રે ફરતો હતો તે વખત વેરે તેનું મન વશ કીધું હતું અને તેના મનની આંખ આંધળી થઈ હતી, પણ હવે તેની મતલબ પાર પડી, અને રાજા કરણ ઉપર મનમાનતી રીતે વેર લેવાનો સમય પાસે આવ્યો ત્યારે ડાહ્યા વિચારો આવવા લાગ્યા. તેમાનાં આટલી વાર સુધી દેશાભિમાન તથા ધર્માભિમાન દબાઈ ગયાં હતાં, પણ તેઓનો બિલકુલ નાશ થયો ન હતો. હવે જે ગુજરાત દેશમાં તેનો જન્મ થયો, જે દેશમાં તેની બાલ્યાવસ્થા ખુશી તથા આનંદમાં ગઈ, જે દેશમાં તેની જુવાનીમાં તેની ઉગતી આશાની કળીઓ ફુટી, અંતે ફાટીને તે ઉપર ફુલ આવ્યાં, જે દેશમાં તેની ન્યાતજાત, સગાંવહાલાં, એાળખીતા, મિત્રો રહેતા હતા, જે દેશમાં તેણે રાજ્યનો કારભાર ચલાવ્યો હતો, જ્યાંના રહેવાશી પોતાના સ્વદેશી કહેવાતા, જેઓ તેને એક વાર પોતાના પિતા સમાન ગણતા હતા, જેઓનું રક્ષણ કરવું તથા જેઓના સુખમાં વૃદ્ધિ કરવી એ તેનો મુખ્ય ધર્મ છે એમ તે જાણતો, તે દેશ તથા તે રહેવાશીઓનું સ્વતંત્રપણું હરી લેવા, દેશી રાજાને ઉઠાડી મૂકી પારકા રાજાનું રાજ્ય સ્થાપન કરવા, પોતાના દેશીઓને પગે બેડી પહેરાવવા, તથા હમેશ સુધી ગુજરાતને ગુલામગીરીની હાલતમાં નાંખવાનો તેણે ઉપાય કીધો તે વિચારથી તેને મહા કષ્ટ થતું વળી ધર્મ તરફથી પણ તેને થોડો પશ્ચાત્તા૫ નહતો, અગર જો શૈવમાર્ગી તથા જૈનમાર્ગીઓ નિરન્તર લઢી મરતા હતા, અગર જો હિંદુ તથા જૈન લોકોના જુદા જુદા પંથો, ઉંદર-બીલાડીની પેઠે એકેક ઉપર વૈરભાવ રાખતા, તથા જે જોરાવર હોય તે કમજોરને મારવાને પ્રયત્ન કરતા, અગર જો રાજાઓ પોતપોતાના મતથી વિરુદ્ધ માનનારા સઘળા લોકોને