પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૬ )

ઉપદ્રવ કરતા, તથા જુલમ કરી તેઓને તોડી પાડવાને મહેનત કરતા હતા, તો પણ તે સઘળી જુદી જ વાત હતી. તેઓ સઘળી એક ઝાડની શાખાઓ હતી. પણ હમણાં તો હિન્દુઓના કટ્ટા શત્રુ તુરક લોકો ગુજરાત ઉપર આવેલા હતા, તેઓના ધર્મને ઉપર કહેલા સઘળા ધર્મ સાથે કાંઈ પણ સંબંધ ન હતો; બલકે હરેક ધર્મસંબંધી તથા વ્યાવહારિક બાબતોમાં હિન્દુ તથા મુસલમાન ઉલટા જ ચાલતા હતા. મૂર્તિના નામ ઉપર તેઓને ઘણો દ્વેષ હતો, શિવનું લિંગ, માતાની પ્રતિમા, તથા બીજા હિન્દુ દેવની મૂર્તિઓ, તથા આદિનાથ તથા પારસનાથની મૂર્તિ, એ સર્વે તેઓની નજરમાં સરખી જ હતી તેઓનો મત કુરાન કે તલવાર; અથવા દયા લાવે તો સુન્નત કે જઝિયો. ધર્મ ઉપર તો જુલમ થવાનો જ, અને કોઈ દહાડો તેનો લય પણ થાય. દેવસ્થાનની મસજિદ થઈ જાય; જ્યાં હમણાં ઘંટ વાગતા તથા શંખનાદ થતા ત્યાં કોઈ વખત મુલ્લાં બાંગ પોકારે જે અધિકાર હમણાં બ્રાહ્મણો ભોગવતા તે હવે પછી મુલ્લાં તથા સૈયદ ભોગવે; તથા જ્યાં હમણાં “રામરામ” તથા “શિવશિવ” એ શબ્દ સંભળાતા ત્યાં “ અલ્લા અલ્લા” તથા પેગંબરનું નામ સંભળાય, એ કાંઈ થોડી વાત ન હતી. જે ધર્મમાં માણસ જન્મ્યો હોય, જેમાં તે ઉછર્યો હોય, જેનો ઉપદેશ નાનપણથી તેના કાનમાં પડ્યો હોય, જેમાં તેણે આ લોકની આશા બાંધી હોય, સારાંશ કે જે ધર્મની સત્યતા ઉપર તેને દૃઢ વિશ્વાસ હોય, તે ધર્મ ઉપર તેને પોતાના દેહ જેટલી પ્રીતિ બંધાય છે તે ધર્મને નુકસાન લાગે તો પોતાના શરીરને તેટલું લાગ્યું એમ તે માને છે, અને ઘણેક પ્રસંગે તે ધર્મને વાસ્તે મહાભારત દુઃખ વેઠવાને તત્પર થાય છે, અને કોઈ વાર તે ધર્મને અર્થે પોતાનો પ્રાણત્યાગ કરવાને પણ આચકો ખાતો નથી. માણસના અન્તઃકરણ ઉપર ધર્મની આટલી સત્તા છે ત્યારે માધવને તે વખતે જે કષ્ટ થતું હતું તે કેવળ સ્વાભાવિક જ હતું. વળી લડાઈની આફત તથા ખરાબી સઘળા જાણતા હશે જેઓને તે વીતી નહી હોય તેઓએ તે બાબે સાંભળ્યું હશે, અથવા તેઓ કલ્પના કરી શકતા હશે. આવા સુંદર રળિયામણા તથા ફળવાન ગુજરાતને ઉજજડ કરી નંખાવવું, તેના રહેવાશીએાને