પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૭ )

કતલ કરાવવા, તથા લોકોનું જે દ્રવ્ય તથા મૂલ્યવાન વસ્તુઓ તેઓએ શ્રમ કરી મેળવ્યાં હોય તથા ઘણું જતન કરી જાળવ્યાં હોય તે સઘળાં પારકે હાથે લુંટાવા દેવાં, તથા તે સિવાય બીજી ઘણીક આફતો જે લડાઈથી દેશ ઉપર પડ્યા વિના રહેતી નથી તે સઘળી ગુજરાત ઉપર લાવવામાં સાધન થવું, એ વિચારથી જ માધવને ઘણી બેચેહેની થતી હતી, તથા તેની નિદ્રાનો અટકાવ થતો હતો.

સવાર પડી એટલે છાવણીમાં ગરબડાટ થઈ રહ્યો. સઘળાં કુચ કરવાને તૈયાર થયા, અને સૂર્ય ઉગ્યા પછી તુરત લશ્કર આગળ ચાલ્યું. શત્રુનાં લાખો માણસો એ પ્રમાણે ગુજરાત ઉપર તીડનાં ટોળાંની પેઠે પડ્યાં, અને તે નુકશાનકારક જીવડાંની પેઠે તેઓના રસ્તામાં જે કાંઈ આવ્યું તેને ખરાબ તથા પાયમાલ કરતા ગયા. તે વખતે હોળીના દહાડા હતા. શિયાળો અને ઉનાળો દેશપર સત્તા ચલાવવાને લડી મરતા હતા, અને લડી લડીને થાકીને તેઓએ સમાધાન કીધું હોય એમ જણાતું હતું. દિવસે ઉનાળાનો તથા રાતે શિયાળાનો અમલ ચાલતો હતો. ખેતરમાં રવી, એટલે શિયાળાનો પાક હતો તેની કાપણી કરવામાં આવી હતી, અને તેથી તેમાં ખુંપરા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું ન હતું. ખેડુત લોકો પોતાની મેહેનતથી પરવારેલા હતા, તથા ખળીમાંના અનાજની પણ ધારાપ્રમાણે વહેંચણ થઈ હતી. આંબાના ઝાડો ઉપર મોર આવેલા હતા, તથા તે ઉપર કોયલ મધુરા સ્વરથી વસંતઋતુને આદરમાન આપતી હતી. ગામોમાં છોકરાં મોટેથી અપશબ્દો બોલીને તથા નિર્લજ ચાળા કરીને હોળી માતાને પ્રસન્ન કરવાનો યત્ન કરતાં હતાં, તથા મોટી ઉમરના માણસો પણ ઘણીવાર તે છોકરાએાની સાથે હોળીની બેશરમ રમતમાં સામેલ થતા હતા. ઘણે ઠેકાણે ફાગ ખેલવાને કેસુડીના ફુલનો રંગ, ગલાલ, અબીલ, ઈત્યાદિ તૈયાર કરી રાખ્યાં હતાં. પણ તે વર્ષે ગુજરાતમાં તેના એક બાળકના કૃત્યથી જુદી જ રીતની હોળી ખેલાવાની હતી. હોળી માતાને આ વખતે ઘણી ભૂખ લાગી હતી, અને તે શાંત કરવાને હજારો માણસનો ભક્ષ લેવાનો મનસુબો તેણે કીધો હતો. જ્યાં લોહી જેવા રાતા રંગના પ્રવાહની રેલ ચાલવાની ત્યાં કેસુડીના રંગની