પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૮ )

શી જરૂર ? તથા ગુલાલ અબીલ શા કામનાં ! આ વર્ષે કાંઈ સ્ત્રીપુરૂષ હેતથી ફાગ ખેલવાનાં ન હતાં, તેને બદલે લાખો હિન્દુ તથા મુસલમાન સામસામા આવી એક ભયંકર હોળી રમવાના હતા. તેમાં પ્યારને બદલે દ્વેષ, તથા મોહને ઠેકાણે વેર હતું. હોળીના ઉત્સવના દિવસ આવ્યા જાણી લોકોમાં જે આનંદ ઉપજવો જોઈએ તેને બદલે આ વખતે તે તેઓના હૈયામાં ભડભડ હોળી બળવા લાગી હતી. શત્રુનું લશ્કર પાસે આવતું સાંભળીને, તથા કરણ રાજાએ પોતાનું સૈન્ય તૈયાર કરવા માંડ્યું તે જોઈને, જ્યાં ત્યાં સઘળે ઠેકાણે હાહાકાર થઈ રહ્યો હતો. શહેરના તથા ગામોના દરવાજા દિવસને વખતે પણ બંધ રાખવામાં આવતા હતા; ઢોરોને શેહેર તથા ગામોની માંહે ચરાવવા માંડ્યાં હતાં; સઘળા મરદો લડવાને અથવા ન્હાસી જવાને તૈયાર થઈ રહી બુકાની બાંધીને ફરવા લાગ્યા હતા; સઘળાં સ્ત્રીપુરૂષો ઘણાં દુ:ખી તથા ચિન્તાતુર દેખાવા લાગ્યાં હતાં. ગામડાંના લોકો પોતાનું અનાજ તથા જે થોડા ઘણા પૈસા હતા તે સઘળા દાટીને, તથા કુવા અને વાવો બની શકે તેટલાં પુરી નાંખીને, પોતાનાં ગામ ઉજડ કરી આગળ ચાલ્યા જતા હતા. એ રીતે જેમ જેમ પાદશાહી લશ્કર આવતું ગયું તેમ તેમ નાસતા લોકોનો સમુદાય વધતો ગયો. બાળક, જુવાન, અને ઘરડા, સ્ત્રીઓ, તેમ જ પુરૂષો, પોતાનાં પ્યારાં ગામોને બળતાં જોતાં, રડતાં તથા શોક કરતાં આગળ ચાલતાં. તેઓમાંથી ભુખ, તરસ તથા પૈસાની તંગી અને એવાં બીજાં કારણેથી રસ્તામાં સેંકડો મુડદાં થઈ અથવા માંદાં થઈ પડતાં, અને પાછળ શત્રુ પાસે જ હોવાથી તેઓને તેમનાં તેમ મુકી બીજાં પાટણમાં જલદીથી જઇ પહોંચવાને દોડાદોડ કરી રહ્યાં હતાં. જેઓ રાજાના લશ્કરમાં લડવાને ગયા હતા તેઓ પણ ઘણા જ દુઃખનું કારણ થઇ પડ્યા હતા. કોઇ ઘરડી ડોશી જેનો એકનોને એક છોકરો લડાઈ ઉપર ગયો હતો તે જીવતો પાછો આવશે કે નહીં એ શંકાથી તે બિચારી નિરંતર રડ્યાં જ કરતી, તથા તે મરશે તો તેનું આવી દુર્બળ અવસ્થામાં કોણ ગુજરાન કરશે; એ દુઃખથી તેનું અન્તઃકરણ વીંધાઈ જતું હતું. કેટલાએક તે ડોસાડોશીઓની ઘડપણની લાકડી તથા આંધળાની આંખ જેવા છોકરા