પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૯ )

લડવા ગયેલા તેથી તેઓ બિચારાં ઘણાંજ શોકાતુર દેખાતાં હતાં. કેટલીએક સ્ત્રી પોતાના ભાઇભત્રીજા વગેરેને વાસ્તે દુઃખ કરતી હતી. કેટલીએક જુવાન સ્ત્રીઓ જેઓ તુરત પરણી હતી, જેઓએ સંસારનું સુખ માત્ર ચાખવા માંડ્યું હતું, જેઓ ધણીધણીઆણીને સાંકળી દેનાર છોકરાંરૂપી બંધનથી બંધાયાં ન હતાં, જેઓની દુનિયાની ખુશી હજી ઉગતા સૂરજની પેઠે ક્ષિતિજમાં જ હતી, જેઓની સંસારને લગતી હજારો આશાઓ મનમાં જ ફક્ત રહેલી હતી, તે સ્ત્રીઓના ભર્તાર લડાઈ ઉપર ગયેલા તેથી તેઓના ભવિષ્ય ઉપર એક અન્ધારો પડદો વળ્યો, તેઓની આશા મનમાં ને મનમાં જ રહી ગઈ, તથા તેએાના સુખના સૂરજ ઉપર એક મોટું વાદળું ફરી વળ્યું હતું. બીજી કેટલીએક કન્યાઓ જેઓ હજી પરણેલી ન હતી, પણ જેઓના ધણી નક્કી થયલા હતા, તેઓ જ્યારે હસ્તમેળાપ કીધા વિના મ્લેચ્છ તુરકડા સાથે તલવારની રમત રમવા ગયા, ત્યારે તે બિચારી અબળાના દુઃખનો કાંઈ કાંઠો જ ન હતો. તેઓનું સંસારી સુખ તો સ્વપ્નામાં જ આવ્યું અને ગયું; તેઓની પ્રીતિની ઉગતી કળીઓ લડાઇરૂપી હિમ પડવાથી બળી ગઈ; તેઓની આગળની આશા તો ભવિષ્ય ઉપર રહી, અને હવે પછી તેઓનું શું થશે તેની વાંચનારાઓએ જ કલ્પના કરી લેવી. સુખમાં એ પ્રમાણે ભંગાણ પડ્યું, સુખદાયક તડકામાં એકાએક વાદળ ચઢી આવ્યું, અને ભયાનક વીજળી તથા ગડગડાટ સહિત વરસાદનું એક મોટું ઝાપટું આવવાનો સમય આવ્યો.

હવે પાટણ શહેરમાં કેવી ગડમથલ થઈ રહી હતી તે ઉપર આપણે નજર કરીએ. લશ્કરમાં જેઓ ગયા હતા તેઓનાં માબાપ, છોકરાં, ધણિયાણી તથા બીજાં સગાં સમ્બન્ધીએાને ઉપર બતાવ્યા પ્રમાણે દુ:ખ થયું હતું. મોટા મોટા વેપારીઓ જેએાએ છળભેદથી તથા હિમ્મત ચલાવી સાત પેહેડી સુધી પહોંચે એટલું ધન ચાંચવે પાવડે ઉસેડ્યું હતું, તે ધન જોઈને તેઓની આંખમાંથી આંસુની ધાર ચાલતી, અને તેનું શું થશે તે બાબત તેઓ મહા ફિકરમાં પડ્યા હતા. તેઓએ ભોંયમાં મોટા ખાડા ખોદીને સઘળી તેઓની દોલત દાટી, અને આગળ શું થાય છે તેની રાહ જોતા બેઠા. સઘળા નાના વેપારીઓએ