પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૦ )

પણ એ જ પ્રમાણે કીધું. દુકાનદારો પોતપોતાના દેવની ભક્તિ કરવા લાગ્યા, અને મ્લેચ્છ શત્રુનો એકદમ નાશ થાય, રાજાનો જય થાય, ધર્મનું રક્ષણ થાય, અને ગુજરાતનું દેશી રાજ્ય કાયમ રહે, તેને માટે ધર્મને લગતા હજારો ઉપાયો સઘળા કરવા મંડી પડ્યા હતા. એ પ્રમાણે સઘળા લોકોમાં ચિન્તા પથરાયલી હતી, તોપણ શેહેરમાં કેટલાએક લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. જેઓની પાસે કાંઈ નહતું, એટલે જેઓને લુંટાવાનો કંઈ ભય નહતો, જેઓને આવી ઉથલપાથલમાં ઘણો લાભ મળવાની ઉમેદ હતી, તથા જેઓ દેશની દોલત સામાન્ય મિલકત માનતા, અને પારકા તથા પોતાનામાં કાંઈ ભેદ ન ગણતા, જેઓ વગર મહેનતે પોતાનું ગુજરાન ચલાવતા, તથા મધપુડારૂપી જગતમાં આળસુ મધમાખીઓની પેઠે બીજાનું મેળવેલું મધ પોતે ખાઈ જતા, તેઓને આ વખતે ખુશીનો કંઈ પાર જ ન હતો. તેઓની તો ખરી મોસમ આવી હતી, અને તેનો લાભ લેવાને તેઓ તૈયાર થઈ બેઠા હતા. શહેરમાં આસપાસનાં ગામોના લોકો આવી ભરાયા હતા, તથા સઘળું લશ્કર પડ્યું હતું તેથી તેમાં તલ પડે એટલી જગા રહેલી નહતી. ઘણાએક લોકો મેદાનમાં પડ્યા હતા, કેટલાએક લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા હતા, અને કેટલાએકે ઘણાં ભારે ભાડાં આપી ઘરો લીધાં હતાં. સઘળા લશ્કરને ડેરાતંબુઓ તાણીને તેમાં રાખેલું હતું. એ પ્રમાણે પાટણ સઘળું ખીચોખીચ ભરાઈ ગયું હતું. તે સઘળાઓને ખાવાનું જોઇએ તેથી સઘળી ખાવાની જણસોનો ભાવ ઘણો જ વધી ગયો હતો, અને તેને લીધે બીજી સઘળી વસ્તુઓ પણ તેવી જ મોંઘી વેચાવા માંડી હતી. એવી મોંઘવારીને લીધે ગરીબ લોકો ઘણું દુઃખ પામવા લાગ્યા, અને કેટલાએક ભુખથી મરવા જેવા થયા. દુઃખના ઢગલા ઉપર ઢગલા વળ્યા, તેથી સઘળા લોકો લડાઈનો જેમ બને તેમ જલદીથી અંત આવે તે જોવાને ઘણા આતુર હતા.

દરબારમાં પણ ખળભળાટ થઈ રહ્યો હતો. સઘળા મંડળેશ્વરો પોતપોતાના તાબાનાં માણસો લઇને આવ્યા હતા. મંડળીક રાજાઓને મદદ લઇ આવવાને જાસુસો મોકલ્યા હતા; પણ તેઓને આવતાં વાર લાગશે એમ જાણીને તેઓની તરફથી રાજાએ ઘણો ભરોસો