પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૨ )

સપડાશે ત્યારે તેમને બચવું ઘણું મુશ્કેલ થઈ પડશે, અને તેઓ સઘળા નક્કી માર્યા જશે. જો કદાચ આપણી તેમાં હાર થઈ તોપણ પાછાં કિલ્લામાં ભરાઈ જવું બની આવશે. અને ત્યાં રહી આપણે તેઓને થકવી નાંખીશું. તેઓનું લશ્કર મોટું છે ખરૂં, પણ તેઓની પાસે મજબુત તથા મોટા કિલ્લા લેવાનો જોઈએ તેવો તથા તેટલો સામાન નહીં હશે, તેમ એટલા બધા માણસોને ઘણા દહાડા સુધી ખોરાક પણ પુરો પાડી શકાશે નહી, તેથી તેઓના માણસોમાંથી કેટલાએક ભુખે મરી જશે, અને બીજાએ નાહિંમત થઈ જશે, અને અંતે નિરાશ થઈ તેઓને દેશ છોડી જતાં રહેવું પડશે, એવી અમારી સઘળાની સલાહ છે.

આ વિચાર કરણ રાજાને જરા પણ ગમ્યો નહી, તે બોલ્યોઃ “તમારી સલાહ ઘણી ડહાપણ ભરેલી તથા ફાયદામંદ છે ખરી, પણ તે પ્રમાણે ચાલવું આપણા લોકને યોગ્ય નથી. શું આપણે બાયડીઓની પેઠે ઘરમાં ભરાઈ બેસીએ ? શું લડાઈમાં જીતવા જેટલું આપણામાં સામર્થ્ય નથી? જો કદાપિ આપણો એક લડાઈમાં પરાજય થાય તો પણ શું આપણે એવા નિર્બળ થઈ જઈશું કે તેઓની સાથે બીજી લડાઈ કરી શકીશું નહી ? શું રજપૂતોમાંથી પાણી ગયું ? શું તેઓનું શૂરાતન ડુબી ગયું ? શું તેઓ ઘાસ ખાય છે? શું આપણે આળસમાં પડી વાણિયાવેપારીએ જેવા કાયર થઈ ગયા ? આપણી આગળના રાજાએાએ જે શૌર્ય દેખાડ્યું છે તે સઘળું શું વ્યર્થ સમજવું? જો આપણે ક્ષત્રી થઈને રાંડીરાંડ ડોશીની પેઠે ખુણો પકડી બેસીએ તો આપણે પુરૂષ નહી પણ વ્યંડળ જાણવા. રજપૂતોએ શત્રુથી બીહીવું ! એમ કદી થાય નહી, શુર સામંત સરદારો ! આજ તમારી અક્કલ ઠેકાણે નથી, તમે તમારી સ્ત્રીઓની મસલત લીધી હશે, નહી તો રજપૂત થઈ આવાં વચન તમે બોલો નહીં. એ ચંડાળ લોકો એ વગર કારણે એક બ્રાહ્મણના કહેવાથી સુતો સિંહ જગાડ્યો છે, તેઓએ સાપના મ્હોંમાં હાથ ઘાલ્યો છે, કાળને ખીજવી બોલાવ્યો છે, અને મોત પિતાને હાથે માગી લીધું છે, તેઓને દટાવાને પોતાના દેશમાં જગા ન મળવાથી આપણે ઈહાં આવ્યા છે, માટે હવે કાગડા,