પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૪ )

રાજ્યગોરે રાજાને કપાળે ટીલું કીધું, તથા આશીર્વાદ દીધો. ભાટ લોકો રાજાના મનમાં શૂર ચઢાવવાને કવિત બોલવા લાગ્યા. બારણા આગળ મોતીના સાથિયા પુરાયા ચોગાનમાં સઘળું લશ્કર તૈયાર થઈ ઉભું રહ્યું, દશ હજાર સવાર, પાંચસે હાથી, વીશ હજાર પાયદળ, પાંચસે રથ, એટલાં લડવાનાં સાધન હતાં. કરણ રાજા જ્યારે પોતાના કવચવાળા હાથી ઉપર સવાર થયો, ત્યારે જયજયકારનો નાદ થઈ રહ્યો, શંખનાદ જોરથી થયો; નોબત ગરગડી તથા બીજાં રણસંગ્રામનાં વાજીંત્રો વાગ્યાં. રાજા તથા લશ્કરને જોવાને શેહેરમાં લોકોની અથાગ ભીડ થઈ હતી. તેઓ સઘળા લડાઈના પરિણામને વાસ્તે ઘણા ચિન્તાતુર દેખાતા હતા. રાજાનું સૈન્ય આટલું થોડું જોઈને તેઓને ઘણો ભય લાગતો હતો, અને જેમ હાથીઓના ટોળામાં એક વાઘના બચ્ચાનું અંતે કાંઈ ચાલે નહી, તેમ એ સૈન્ય આખરે કપાઈ જશે, એવી દહેશત લોકોને રહેતી હતી. તો પણ શુરા કરણ રાજાને જોઈને તેઓને ઘણો ઉમંગ આવ્યો. તેનો સાદો લડાઈનો પોશાક તથા શૂરથી ભરપૂર આંખ જોઈને તેઓ સઘળા ઈન્દ્રજીત અથવા અર્જુન જોડે તેનો મુકાબલો કરવા લાગ્યા. રસ્તામાં તેના ઉપર ફુલ તથા ફળની વૃષ્ટિ તેએાએ કીધી. તેના હાથી આગળ ફુલ વેરાતાં ગયાં, તથા તેના જયને વાસ્તે સઘળા લોકોના આશીર્વાદ સહિત, કરણ રાજા શેહેરની બહાર નીકળ્યો. એ પ્રમાણે રાજાએ એક દહાડામાં ઘણા દહાડાનાં તેનાં કામોથી થયલી લોકોની અપ્રીતિ દૂર કીધી. શૌર્ય એ ઘણો વિચક્ષણ ગુણ છે. હજારો અવગુણને ઢાંકી નાંખે છે. અંગબળ તથા હિમ્મતથી લોકો એટલા સાનંદાશ્ચર્ય પામે છે કે એ ગુણ સિવાય બીજા તેઓની નજરમાં આવતા જ નથી. જગતમાં જે જે શૂરા પુરૂશોએ પોતાની બહાદુરીથી દુનિયામાં માત્ર ખરાબી જ કીધી છે તેઓનાં નામનો નાશ થવાને બદલે તેઓ અમર રહી ગયા છે, અને જગતના મહાન ખુનીઓ કેટલાએક દેવની પેઠે પૂજાય છે, અને કેટલાએકનાં નામ દુનિયામાં દીવા જેવાં થઈ પડ્યાં છે. કરણ રાજાએ પોતાના લશ્કર સહિત છાવણી કીધી, તેની બે બાજુએ પહાડ હતા, અને પાછળથી નદી વહેતી હતી. એવે ઠેકાણે