પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૫ )

સઘળું લશ્કર ગોઠવીને લડાઈની રાહ જોતો તે ત્યાં રહ્યો. ત્રીજે દહાડે મુસલમાન લશ્કર આવી પહોંચ્યું, અને કરણનું લશ્કર ક્યાં પડયું છે તેની અલફખાંને આગળથી ખબર મળી હતી તેથી તે પણ પોતાના લશ્કરની ગોઠવણ કરી લડવાની તૈયારી કરી આવેલો હતો. બપોરની વખતે બંને લશ્કર સામસામાં થયાં. મલેચ્છનું લશ્કર દશગણું મોટું જોઈને રજપૂત સિપાઈએ જરા નાહિંમત થયા, અને એ ભય તેઓમાં કાયમ રહેશે તો લડાઈમાં ઘણાં માઠાં પરિણામ થશે એમ જાણી કરણ આગળ નીકળ્યો, અને સઘળા સિપાઈઓની આગળ તેણે નીચે પ્રમાણે ભાષણ કીધું –

“આજે દાનવો તથા માનવોની વચ્ચે યુદ્ધ થવાનો પ્રસંગ આવ્યો છે, તેમાં દાનવો બળવાન દેખાય છે, તથા તેઓની સંખ્યા ઘણી જ વધારે છે; તો પણ તે દુષ્ટ લોકોને ભગવાન સહાય થશે, એમ તમારે કદી ધારવું નહી. જગતમાં સત્ય છે તે જ ઈશ્વર છે, અને સત્ય આખરે જય પામ્યા વગર રહેતું નથી. એ મ્લેચ્છ તુરકડા લોકોનાં આયુષ્યની દોરી તુટવાનો વખત આવ્યો હશે ત્યારે જ તેઓ ન્યાયાન્યાય વિચાર્યા વિના પારકા દેશને ઉજડ કરવાને મોટું લશ્કર લઈને આવ્યા છે, પણ પરમેશ્વરની કૃપાથી તેઓમાંનો એક પણ તેના સોબતીએાના સમાચાર કહેવાને પાછો પોતાને દેશ જનાર નથી. સત્ય આપણી તરફ છે તેથી પરમેશ્વર પણ આપણા જ પક્ષમાં છે, એમ જાણવું. રણસંગ્રામમાં કેમ લડવું એ રજપૂતોને કહેવાની જરૂર નથી. આપણે સઘળા ક્ષત્રીવંશના છીએ. આપણા વૃદ્ધોએ મોટાં મોટાં યુદ્ધો કીધેલાં છે. કુરૂક્ષેત્રની લડાઈમાં અઢાર દિવસ સુધી લઢ્યા છે તેઓના શુરાતનની કીર્તિ આખા જગતમાં પથરાયેલી છે. તે રજપૂતો પોતાના બાપદાદાનાં નામ બોળી આવા રાની સિપાઈઓથી બીહીશે, એવો જરા પણ સંભવ નથી. આપણે આ સમયે આપણા વહાલા દેશને સારુ લડીએ છીએ, આપણી જાતને વાસ્તે, આપણા ઘરને વાસ્તે, આપણાં બઈરાંછોકરાંને વાસ્તે, આપણી સ્ત્રીઓના પતિવ્રતપણાના રક્ષણને અર્થે, આપણા અનાદિ ધર્મના