પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૬ )

બચાવને સારુ, આપણને જે જગતમાં વહાલામાં વહાલું છે તેને વાસ્તે યુદ્ધ કરીએ છીએ. એ વાત લડતી વખતે સઘળા મનમાં રાખજો. મરવું તો એક વાર છે જ, માટે રણસંગ્રામમાં શા માટે મોતથી બીહીવું? હું આકાશ તરફ જોઉં છું ત્યારે અપ્સરાઓ શૂરા રજપૂતોને વરવાને ફુલની વરમાળા હાથમાં લઈ તૈયાર થયલી મારી નજરે પડે છે. ખોપરીઓનો હાર કરવાને શિવજી પોતે પધારેલા છે, તથા તેના અગણિત ગણો, ભૂત, પિશાચ, વગેરે મોટી ઉજાણી કરવાને આવેલા છે. જોગણીઓ લોહી પીવાને ઉભી રહેલી છે. દેવતાઓ લઢાઈનું પરિણામ જોવાને તત્પર થઈ રહેલા છે. એ સઘળાઓની સમક્ષ આપણે લડીએ છીએ, તેઓની આંખ આપણી ઉપર છે; માટે રે શૂરા રજપૂતો ! તમારા ક્ષત્રી નામનું આજ સાર્થક કરો. કોઈ વખતે કુતરાએ વાઘને હરાવ્યા હશે, પણ તે તો ચમત્કાર જાણવો, એવું કાંઇ હમેશાં બનતું નથી. માટે ધૈર્ય ધરીને આજ એ ચંડાળ શત્રુઓના કાપી કકડે કકડા કરો; અને તેમ કરી આખા ભરતખંડમાંથી એ તુરકડાઓનો ભય મટાડો.

રાજાનું આવું ભાષણ સાંભળી સઘળા સિપાઇઓને આવેશ આવ્યો અને તેના જવાબમાં એક મોટો પોકાર કરી તેઓએ આખી રણભૂમિ ગજાવી મુકી. તે સાંભળી સઘળા તુર્ક સિપાઈઓ થરથર ધ્રુજવા લાગ્યા. આ વખતે તેઓને હિંમત આપવાને અલફખાં આગળ આવ્યો ને બોલ્યો: “પાકદીનના સિપાઈઓ ! તમે સઘળા પોતાનાં ઘર તથા કુટુમ્બીઓ મુકીને દૂર દેશ આવ્યા છો, તેમ કરવાની મુખ્ય મતલબ બે છે. પહેલી અને સઘળાથી અગત્યની તો એ કે કાફર લોકને ખરા દીનમાં લાવવા, તેઓનાં દેહેરાં તોડી પાડી ત્યાં મસજિદો બાંધવી, તેઓની મૂર્તિઓ ભાંગી નાંખવી, અને “લાઈલાહા ઈલ્ઉલ્લાહ્ મહમ્મદુર્ રસૂલ અલ્લાહ્”નો કલામ સઘળે પથરાવવો. બીજી મતલબ આપણું રાજ્ય વધારવું, આપણી કીર્તિ ફેલાવવી, આપણા પાદશાહની આબરૂ વધારવી તથા આપણી દોલતમાં વધારો કરવો. એ બે મતલબ પાર ન પડે, જો અલ્લાતાલ્લાના હુકમથી આપણી હાર થાય, તો નાસવાની કાંઈ જગા નથી એમ તમારે નક્કી જાણવું. આ