પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૮ )

તેનું લશ્કર લડશે નહી એવો કોને ભરોસો ? માટે ધારા પ્રમાણે લડવું જોઈએ, પછી જે થાય તે ખરૂં.” એટલું કહી સામા લશ્કરને તેની જગાએથી ખસેડવાને તેણે તેના માણસોને હુકમ આપ્યો.

“અલ્લા હુ અકબર'ની ચીસ પાડી મુસલમાન સિપાઇઓ આગળ ધસ્યા, અને રજપૂતોને તેઓની જગાએથી હડસેલવાને ઘણાએક પ્રયત્ન કીધા, પણ તેઓ પહાડની પેઠે જડ થઈ ઉભા રહ્યા. લડાઇ ઘણી ભારે ચાલી. ચોમાસામાં પવનના જોરથી વાદળાં સામસામાં અથડાય છે તેમ તે બંને લશ્કરો અથડાયાં. તલવારોના ખડખડાટથી કાન બેહેર મારી ગયા; તેઓના વિજળીના જેવા ચળકાટથી આંખ ઝંખવાઇ ગઇ; તીર તો આકાશમાં એટલાં ઉડી રહ્યાં હતાં કે તેમાંથી કોઈ પક્ષીથી પણ જવાતું નહી, અને વરસાદની પેઠે તેઓ નીચે પડતાં હતાં, જમીન ઉપર લોહીની રેલ ચાલી; યોદ્ધાઓની ચીસથી ત્યાં કાંઈ પણ શબ્દ સાંભળ્યામાં આવતો ન હતો. એ બધા ગડબડાટની સાથે ઘાયલ સિપાઇઓ ધુળમાં રગદોળાતા હતા, તથા તેઓને તેમના ઘાથી દરદ થતું તે સઘળાના કષ્ટથી તેઓ બુમાબુમ પાડી રહ્યા હતા; બંને તરફના માણસો સેંકડો મુઆ, પણ રજપૂત સિપાઈઓએ પોતાના ધારા પ્રમાણે તથા પોતાના ધર્મ પ્રમાણે પીઠ ફેરવી નહી. કરણમાં જાણે ભૂત ભરાયું હોય તેમ જણાતુ હતું. તેની આંખ ખુનથી ભરેલી લાલચોળ થઇ ગઇ હતી, તે પોતાની તેજસ્વી તલવાર વડે ચોતરફ ફરી વળ્યો, અને જે તેના સપાટામાં આવ્યું તેના બે કકડા કર્યા વિના રહ્યો નહી. એક વાર તેનો હાથી મરી ગયો, ત્યારે તે ઘોડા ઉપર સ્વાર થઇને લડ્યો. તે ઘોડો પણ કતલ થઈ ગયો ત્યારે તે પાયદળ સિપાઈઓમાં સામેલ થયો, અને પોતાના શરીરની કાંઈ ફિકર રાખ્યા વિના એક સાધારણ સિપાઇની પેઠે લડ્યો. જ્યારે રાજાના ઉપર ઘણાંએક તીર પડવા લાગ્યાં, જ્યારે તે એક બે ઠેકાણે ઘાયલ થયો, જ્યારે કેટલાએકે તેને ઓળખીને જાણ્યું કે તે જો વધારે વાર સુધી આ ઠેકાણે રહીને યુદ્ધ કરશે તો બેશક માર્યો જશે, ત્યારે તેને સમજાવીને તેને એક ઘોડો આપ્યો, અને સવારોની