પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૦ )

મુએલાં પડેલાં હતાં, અને તે ઉપર જ્યારે ચાંદરણું પડતું, અને તેઓનાં મ્હોં ઉપર મૃત્યુથી ઉત્પન્ન થતા ફિકા રંગની સાથે અજવાળાનો રંગ મળતો, ત્યારે તેઓ ખરેખર ભયાનક દીસતાં હતાં. ઘાયલ લોકો ચીસાચીસ પાડતા, તેઓને પોતપોતાનાં માણસો લઈ ગયાં, અને તે ઠેકાણે જે ઓસડવેસડ થઈ શકે તે લગાડવામાં આવ્યું. લોહીની તો નીક ચાલી રહેલી હતી, અને તેનો લાલ રંગ બદલાઈને કાળો થઈ ગયો હતો. ગીધ, સમડી, કાગડા વગેરેને સારુ જે મીજબાની પાથરેલી હતી તેનો ઉપભોગ કરવાને તેઓ તે વખતે ત્યાં ન હતાં, પણ વનવાગળાં ઉંચાં ઉડ્યાં કરતાં, ઘુડો પાસેનાં ઝાડ ઉપરથી અપશકુનવાળો તથા ભયાનક શબ્દ કાઢ્યાં કરતાં, અને શિયાળવાં મુડદાંની ગંધથી ત્યાં આવીને મુએલાં માણસોનો આરામ ભંગ કરતાં હતાં. સઘળું ચુપાચુપ હતું, અને લશ્કરમાંથી કાંઇ પણ મોટો અવાજ આવતો નહતો. એટલાં બધાં માણસો એક એકનો પ્રાણ લેવાને એકઠાં થયાં હતાં, તેઓ આ રાતના દેખાવથી બીહીને, મોત તેઓની પાસે થઇને ફર્યા કરતું તેથી ડરીને, તથા આવી શાંત રાતની વખતે અવાજ કરવાથી રાત્રીના દેવોને ઉપદ્રવ થાય તે ન કરવાને સઘળાં મુગાં રહેલાં હતાં. માત્ર કંસારી બેાલ્યાં કરતી તથા શિયાળવાંને ઉજાણીનું પર્વ હાથ લાગ્યું તેથી તેઓએ બુમાબુમ પાડી મુકી હતી. મુસલમાન લોકોએ પોણી રાત નિમાજ પઢવામાં કાઢી. રજપૂત લશ્કરમાં તે વખતે મહાભારત વંચાતું હતું. અને કુરૂક્ષેત્રની લડાઇમાં જે જે શૂરાતનનાં કામો કરવામાં આવ્યાં હતાં તેમાં વિશેષે કરીને ભીમનાં પરાક્રમોની વાત વંચાવાથી સઘળા ખરા રજપૂતોનું લોહી ઉકળી આવ્યું હતું. તે સિવાય ભાટ લોકોએ આગલા ક્ષત્રી રાજાઓની લડાઈનાં કવિત કહી સંભળાવી સઘળાઓમાં શુર ઉત્પન્ન કીધું હતું. હવે એક પોહોર રાત બાકી રહી. ચંદ્રમા અસ્ત થયો, અને અંધારાનું પ્રાબલ્ય થઈ રહ્યું. મુસલમાન લોકોનાં વચન ઉપર ભરોંસો રાખી રજપૂત લોકોએ હજી લડવાની તૈયારી કીધી ન હતી. જેવા તેઓ લડાઈના કામમાં પ્રામાણિક તથા વચન પાળનારા હતા