પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૨ )

જીતવાની હવે કોઈ આશા નથી, ત્યારે તેઓએ વિચાર કીધો કે હવે લડવા જવું એ તે પતંગની પેઠે દીવામાં ઝંપલાવવા બરાબર છે, માટે ખરેખર મરવા જવામાં શો ફાયદો ? જે જીવે છે તેને આશા છે; જે જીવે છે તે ફરીથી લડી શકે છે, અને જે જીવે છે તે કોઇ વખત પણ પોતાનું ધારેલું કામ સિદ્ધ કરી શકે છે, માટે નકામું શામાટે મરવું ? કોઈ પણ અનુકુળ પ્રસંગ આગળ આવશે તે વખતે જય મેળવીશું, અને ત્યાં સુધી એ તુરકડાઓને જરા પણ ચહેન વળવા દઈશું નહી, તેઓને રાત દહાડે ઉપદ્રવ કર્યા કરીશું, માટે ગુજરાતની હદ બહાર જતાં રહેવું એમાં જ ડહાપણ છે, એમ કહી તેઓ ઘોડા ઉપર સવાર થયા, અને કમનસીબ તથા રંડાયલા અણહિલપુર પાટણ ઉપર નજર કરી ઘણા જ જોશથી રડ્યા, તેઓ બોલ્યા: “રે ગુર્જરદેશ ! રે અમારી જન્મભૂમિ ! તારા ઉપર કેવી મોટી આફત આવી પડી છે? તારા છોકરાઓને પારકા લોકોએ મારી નાંખ્યા, તારા ભર્તારનો પણ એ જ દુષ્ટ લોકોએ પ્રાણ લીધો. અરે અમારી મા ! તેં અમને ઉછેરીને મોટા કીધા; તેં અમને શુરાતન આપ્યું, અને જ્યારે તારા ઉછેરીને મોટા થયલા છેકરાઓ કપાઈ ગયા, તારો લાડ લડાવનાર ધણી મરણ પામ્યો, અને તને દુષ્ટ રંડાપો આવ્યો, ત્યારે તું શા માટે પોકેપોક મુકીને રડતી નથી? તારું હૈયું શું વજ્ર સરખું થઈ ગયું છે ? તને શું રડવું આવતું નથી ? શું તારી મરજી પુનર્લગ્ન કરવાની છે ? શું આ દુષ્ટ મ્લેચ્છ તુરકડાઓનો પાદશાહ જેના હુકમથી તારું નસંતાન ગયું, તથા તને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ, તે ખુની ઘોઝારા પાદશાહને તું વરવાનો મનસુબો કરે છે ? રે દુષ્ટ ! રે ચંડાળ! તું અમારી મા નથી, અમે કોઈ દહાડો પણ સાવકા બાપના હાથ નીચે રહેવાના નથી; અને તને એક ઘડી પણ વિરામ થવા દેવાના નથી, તારા નવા ધણીને જરા પણ શાતા વળવા દેઈશું નહી, તું શામાટે બોલતી નથી ? જો અમારા કહેવા પ્રમાણે તારો વિચાર નહી હોય તો તેઓ સઘળાને ગળી શામાટે જતી નથી ? હાય હાય રે હિન્દુ ધર્મ ! અને હાય હાય રે હિન્દુરાજ ! તમારા બંનેનો આજે અંત આવ્યો, દેવો સઘળા ઉંઘી ગયા. તેઓથી પોતાનું રક્ષણ