પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૩ )


થતું નથી તે આપણું શું કરવાના છે? પણ વનરાજ, મુળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, સઘળા ક્યાં ગયા ? તેઓ પોતાનાં છોકરાંની વહારે કેમ ધાતા નથી ? પણ સઘળાએાએ મળીને સંપ કીધો છે. સઘળાએાએ આ ગુજરાતનું રાજ્ય પારકે હાથ જવા દીધું છે, ઈશ્વરની એમ જ મરજી હશે, તેમાં આપણું શું ચાલવાનું છે? આપણાથી તો એટલું જ થઇ શકે છે કે દેશ મેહેલીને જતાં રહેવું. માટે ચાલો, ગુજરાતને છેલ્લા રામરામ.” એમ કહી તેઓએ પોતાના ઘોડા દોડાવી મુક્યા, અને પાયદળ સિપાઇઓ ઝડપથી કુચ કરી ચાલ્યા, અને જ્યાંસુધી તેઓએ ગુજરાતના રાજ્યની સરહદ વટાવી ત્યાંસુધી તેઓ અટક્યા નહી, તેમ રસ્તામાં અન્નજળ પણ ચાખ્યું નહી.



પ્રકરણ ૧૦ મું.

રણ રાજા પડ્યો, તેનું લશ્કર સઘળું કપાઈ ગયું, તથા તુરકડાઓનું સઘળું સૈન્ય પાટણ ઉપર આવે છે એ દુ:ખદાયક સમાચાર સાંભળીને શેહેરમાં હાહાકાર થઈ ગયો. દ્રવ્યવાન લોકો પોતાની દોલતની ફિકર કરવા લાગ્યા, તથા અધિકારી વર્ગ પોતાના અધિકારની ચિંતામાં પડ્યો. જેઓનાં સગાંવહાલાં તથા મિત્રો રણસંગ્રામમાં માર્યા ગયાં તેઓના દુ:ખની તે કાંઈ સીમા ન હતી. કેટલીએક ઘરડી ડોશીઓ તથા ડોસાઓ પુત્ર રહિત તથા નિરાધાર થઈ બેઠાં; કેટલાંએક નાનાં છોકરાં બાપ વિનાનાં થયાથી નિરાશ્રિત થઈ ગયાં, કેટલીએક જુવાન સ્ત્રીઓને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ, કેટલીએક તરૂણીએાના ધારેલા ભર્તાર દેવલોકમાં અપ્સરાએાને વર્યા; અને કેટલાંએક સ્ત્રીપુરૂષના ભાઈ તથા મિત્રોએ આ જગતનો અનિત્ય સંબંધ તોડી નાંખ્યો; શેહેરમાં સઘળે રડારડ થઈ રહી; મોટા મોટા મહેલ કે નીચાં નીચાં ઝુંપડાં સઘળાંમાં દુ:ખ તથા શોકના શબ્દ સંભળાવા લાગ્યા. રાજાના મેહેલમાં એક અન્દરના ઓરડામાં કરણની સઘળી રાણીઓ એકઠી થઈ. તેએામાં આકાશમાં જેમ ચન્દ્ર સૂરજ પ્રકાશે છે, તેમ