પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૬ )

સાંભળીને ગુજરાતના પર્વતો ! તથા સઘળી નિર્જીવ વસ્તુઓ ! તમે શા માટે રડતાં નથી ? તથા અમારા દુ:ખમાં શા માટે ભાગીયાં થતાં નથી ? અરે ! એ શબ્દ સાંભળીને પશુપક્ષીઓ, જીવજંતુઓ, અને સઘળાં પ્રાણીઓ ! તમે આનંદમાં ફરતાં કેમ દેખાઓ છો ? તમારો સ્વામી રાજા કરણ માર્યો ગયો તે ખબર તમે સાંભળી નથી ? અથવા સાંભળી હોય તો તમારાં અન્તઃકરણ એટલાં બધાં વજ્ર જેવાં છે ? અરે પથ્થરોએ પણ આંસુ ઢાળવાં જોઈએ: પણ હું ભુલું છું. આપણે હવે મિથ્યા શોક શા માટે કરવો જોઇએ? આપણે રજપૂતાણીઓ છીએ. આપણી નસોમાં ક્ષત્રિયનું લોહી જુસ્સાથી વહે છે. આપણી જાતે શૂરા રજપૂતોને ઉદરમાં રાખ્યા છે, તથા આપણે હિમ્મતથી ભરપૂર દુધે બહાદુર લોકોને ધવડાવ્યા છે, તે શું આપણે બેઠાં બેઠાં ઈહાં રડ્યાં કરીશું? શું આપણને આપણી પ્રતિષ્ઠા વહાલી નથી? શું આપણે આપણા પતિવ્રતપણાનું રક્ષણ કરવું નથી ? શું આપણે ઈહાં બેસી રહી રજપૂતાણીના નામ ઉપર કલંક લગાડવો છે? શું આપણી અવસ્થામાં આવી પડેલી જે રાણીઓ પૂર્વ થઈ ગયેલી છે તેઓનાં કૃત્યો આપણને માલમ નથી ? માટે હવે આંસુ લુછી નાંખો; હવે હૈયાં કઠણ કરો, આપણા ઉપર આવી પડેલાં દુ:ખ વિસરી જાઓ; અને હવે પછી શું કરવું તે ઉપર વિચાર કરો. મુસલમાન લોકો શેહેરની લગભગ આવ્યા હશે; તેઓ આપણા પવિત્ર એકાંત ઓરડામાં પ્રવેશ કરશે; તેઓ આપણા ઉપર દુષ્ટ નજર તાકશે; આપણાં અંગ ઉપર ઝબરદસ્તી કરે એવા તે દુષ્ટ ચંડાળો તેઓ નહીં હશે, પણ કદાપિ હોય એવો આગળથી વિચાર રાખવો; તેઓના સરદાર આપણું રૂપ જોઈ આપણા પર મોહ પામે, આપણને પરણે; અને આપણા એક ભવમાં બે ભવ થાય; આપણો ધર્મ આપણને ત્યાગ કરવો પડે; તથા એ મ્લેચ્છ લોકોની રીતભાત આપણને પાળવી પડે; એ સઘળું ન થવા દેવાને માટે આપણે શું કરવું જોઇએ તે વિષે સઘળાંએાએ પોતપોતાનો અભિપ્રાય આપવો જોઇએ.”

બીજી સઘળી રાણીઓ એક અક્ષર બોલી નહી, તથા કૌળારાણી જે કરે તે પ્રમાણે કરવાને તેઓએ પોતાનો ઠરાવ જણાવ્યો, તે