પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૭ )

ઉપરથી તે પટરાણી મોટા આવેશથી, રજપૂતના શૂરાતનથી, તથા ક્ષત્રીઓનું લોહી મ્હોં ઉપર લાવીને ધીમેથી પણ દૃઢતાથી, બોલી: “મરવું, મરવું, અને મરવું. એ વિના બીજો કાંઇ ઉપાય નથી. મરવામાં કાંઇ મોટી વાત નથી. એક વાર તો મરવું જ છે, ત્યારે હમણાં મરવામાં શી ચિન્તા છે ? જ્યારે આપણે આવી દશા થઇ છે, ત્યારે મૃત્યુમાં શો ભય છે ? જ્યારે હવે પછી કેવી અવસ્થા આપણી થશે એ વિષે આપણને શંકા ઉત્પન્ન થઈ છે, અને દુર્દશા આવશે એવો સંભવ લાગે છે, ત્યારે જીવવા કરતાં મરવું હજાર દરજજે સારું છે. આ જગતમાં આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ. જે ટુંકી મુદ્દત આપણે આ દુનિયામાં વાસો કરીએ છીએ તેટલી ટુંકી મુદ્દતમાં આપણે સૌ પોતપોતાનું કામ કરી લઇ આપણો મુકામ ઉઠાવીએ છીએ. અને ગયા પછી શું રહી જાય છે ? કરોડો માણસ જગતમાં આવ્યાં અને ગયાં, તેઓની નામનિશાની કાંઈ રહેલી છે ? તેઓ પૃથ્વી ઉપર થઈ ગયાં તેનાં ચિહ્નો નજરે પડે છે ? સઘળાંનાં નહી. ઘણાંખરાં તો કાળની મોટી રેલમાં ઘસડાઇ ગયાં, અને તેઓ હતાં જ નહીં એમ લાગે છે; પણ થોડાંએક તો દરિયામાંના ખડકની પેઠે મજબુત ઉભાં છે, અને તેઓ ઉપરથી કાળરૂપી રેલ જોરથી ચાલી ગઇ તો પણ તેઓના પાયા હજી રહેલા છે, અને અનંત કાળ પર્યંત તેઓ અચળ રહેશે. એ પાયા રહી ગયા તે શું ? તેઓના નામ, તેઓની આબરૂ. સારૂં નામ એક અમુલ્ય વસ્તુ છે; તેની કિમ્મત આખા જગતના સોના, રૂપા, હીરા, મોતી, વગેરે ઝવેરાત કરતાં ઘણી જ વધારે છે. જેની પાસે સારૂં નામ છે તેના જેટલો શ્રીમંત બીજો કોઇ નથી. બીજી સઘળી દોલત નાશવંત છે, પણ સારૂં નામ અમર છે. બીજી દોલત તો ખુટી જાય છે; અને તે દોલત મેળવનારનું નામ એક બે પેહેડી પછી નાશ પામે છે; પણ સારૂં નામ ધ્રુવના તારાની પેઠે અચળ રહે છે. દુનિયામાં લોકો પોતાના વંશવડે જ આ લોકમાં અમર રહેવાની આશા રાખે છે, તે ખોટી છે; એ પ્રમાણે તો એક અથવા ઘણું તો બે પેહેડી સુધી તે ઓળખાય છે; પણ પછી તેનું મીડું વળ્યું. તે હતો અને નહી હતો એ સરખું જ થાય છે; પણ સારૂં નામ એ તો જગતને એક મોટો વારસો