પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૯ )

નામ અમર રહે એવી તેનામાં સ્વાભાવિક ઇચ્છા હોય છે. એ સઘળાં કારણોથી આપણે સઘળાંએાએ મરવું જોઈએ, અને તેમ કીધાથી આપણાં નામ શૂરી સ્ત્રીઓ જેઓએ સ્વાત્માર્પણ કરી પોતાની પ્રતિષ્ઠા વધારી છે તેઓની ટીપમાં ઉમેરાશે; માટે આ મેહેલમાં આગ લગાડી મૂકવી, અને આપણે સઘળાંએ એમાં રહી બળી મરવું.”

મરવાની ભયંકર રીતથી કોઈ પણ રાણીનું મન ત્રાસ પામેલું દેખાયું નહી. સઘળાંએ પોતાની તે પ્રમાણે કરવાની ખુશી દેખાડી. તે ઉપરથી સઘળી રાણીઓએ પોતાના દેહ અર્પણ કરવાની તૈયારી કીધી. કૌળાદેવીએ પેહેલો વિચાર પોતાની કુમળી વયની બે દીકરીઓને વાસ્તે કીધો. એ બીચારી નાની ઉમરમાં દુનિયાનું કાંઇ પણ સુખ ભોગવ્યા વિના આવી રીતે મૃત્યુ પામે એ વાત તેમની માની નજરમાં યોગ્ય લાગી નહી. વળી તેઓના જીવવાથી તેઓની પ્રતિષ્ઠાને કાંઈ હાનિ પહોંચે એમ ન હતું, એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના એક ખાસ ચાકરને બોલાવી તેને તે છોકરીઓને સોંપી અને તેઓને પોતાના બાપ પાસે લઇ જવાને કહ્યું. આટલીવાર સુધી તેનામાં હિમ્મત રહેલી હતી. તેને પોતાના મરવા તરફનું કાંઇ પણ દુઃખ ન હતું; પણ પોતાની પ્રાણ સમાન વહાલી છોકરીએાનો વિયોગ થવાનો સમય આવ્યો, ત્યારે તેનું હૈયું ફાટી જવા જેવું થયું, અને તેની આંખમાંથી આંસુઓની નદી વહેવા લાગી, તેની છાતી ભરાઈ આવી, અને તે કેટલીએક વાર સુધી પોકેપોક મુકીને રડી. આ બહાદૂર રજપૂતાણી નાની છેકરીની પેઠે રૂદન કરવા લાગી, તથા શોકવૃત્તિને વશ થઈ ગઈ તે ઉપરથી કોઈએ તેની નિંદા કરવી નહી, અથવા તેની હિંમત વિષે પણ હલકો વિચાર આણવો નહી. સઘળું જગત પ્રીતિના પાશથી બંધાયલું છે, તેમાં માની છોકરાં ઉપરની પ્રીતિથી તો આડોઆંક છે. ક્ષુદ્ર જીવથી તે શ્રેષ્ઠ માણસ સુધી પ્રાણી માત્રમાં જગકર્તા ઈશ્વરે માના અન્તઃકરણમાં છોકરાં ઉપર ઘણું જ હેત મૂકેલું છે. જે સ્ત્રીઓ ઘણી નિર્દય હોય છે, જેઓનાં મન ઉપર પારકાનું દુઃખ જોવાથી કાંઈ પણ અસર થતી નથી, એવી વજ્ર હૈયાની સ્ત્રીઓ પણ પોતાનાં છોકરાં