પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૦ )

ઉપર ઘણી જ નરમાશ રાખે છે; તેઓનું દુ:ખ જોઇ તેઓ ઘણી પીડાય છે, તથા તેઓનું રક્ષણ કરવાને પોતાના પ્રાણને જોખમમાં નાંખે છે, તે પ્રમાણે કૌળારાણી જો કે પોતે જાતે મૃત્યુથી જરા પણ ડરતી ન હતી, તો પણ પોતાની નાની છોકરીઓની નિરાશ્રિત અવસ્થા, તેઓથી જુદાં પડવાનું કષ્ટ, તથા તેઓની નિર્ભયતાને વાસ્તે દેહેશત, એ સઘળી હકીકત ઉપરથી તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, એમાં શું આશ્ચર્ય ? એ આંસુથી સિદ્ધ થયું કે તેનું અન્તઃકરણ ઘણું કોમળ હતું, તથા તે આંસુઓથી તેના સ્ત્રીજાતીય સ્વભાવને શોભા તથા પ્રતિષ્ઠા મળી. છોકરીઓને વદાય કરતી વખતે તે બોલી: “અરે મારી પરમપ્રિય દીકરીઓ ! અરે મારી આંખની કીકીઓ, તથા હૈયાના હાર, તમને મેં મારા ઉદરમાં નવ માસ સુધી ઘણી પીડા ભોગવી રાખી, તમને ઘણા દેહ કષ્ટની સાથે ઉછેરી. તમને એક ઘડી પણ મારાથી વેગળી કીધી નથી. તમારૂં સુંદર વદન નિહાળતાં મને અતિ આનન્દ ઉપજતો. તમારૂં કાલું કાલું બોલવું સાંભળીને મારો આત્મા ખુશીથી ભરપૂર થતો. તમારા સુખથી હું સુખી, અને તમારા દુઃખથી હું દુઃખી થતી. મારા વિના તમારી કોણ સંભાળ રાખશે? બીજું કોણ તમને લાડલડાવશે? બીજું કોણ તમને તમારી માગેલી વસ્તુ તુરત પુરી પાડશે ? અને તમે જ્યારે બાલ્યાવસ્થામાંથી નીકળીને યુવાવસ્થામાં આવશો ત્યારે તમારી તપાસ કોણ રાખશે ? તમને સીધો રસ્તો કોણ બતાવશે ? તથા જુવાનીની અગણિત લાલચમાં પડતાં અટકાવવાને તમને સારી સલાહ કોણ આપશે ? પણ હવે બસ થયું. છોકરીઓની તરફથી ઘણી ફીકર કરવામાં મારો આગલો વિચાર અમલમાં આવતાં અટકશે, માટે હવે જાઓ. તેત્રીશ કરોડ દેવતાઓ તમારું રક્ષણ કરો; જગદમ્બા તથા તેની જોગણીઓ તમારી આસનાવાસના કરો, તથા તમારા ઉપર માના જેટલી પ્રીતિ રાખી તમને સારી પ્રેરણા કરી તમારાં કુળની પ્રતિષ્ઠા જાળવો એ મારી પ્રાર્થના છે.” તેનાથી વધારે બોલાયું નહીં. છોકરીઓ તેને ચુડ ભેરવીને ઉભી રહી, પણ તેઓને જોર કરી તરછોડી નાંખી, અને ચાકરને તેઓને જલદીથી લઈ જવાનો હુકમ