પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૧)

કરી કૌળારાણી ત્યાંથી આંખ મીચી તથા કાન બંધ કરી ચાલી ગઈ. સઘળી રાણીએાએ પોતપોતાના કામકાજનો બંદોબસ્ત કરી લીધો. પછી મેહેલના જે ભાગમાં જલદીથી બળે એવા પદાર્થો હતા ત્યાં એક મોટો કાકડો સળગાવી મૂક્યો. રાજ્યમેહેલ સળગવા લાગ્યો, લાકડાં કડકડાટ કરી પડવા લાગ્યાં; બળતાંએ છાપરાંના એક ભાળને પકડ્યો; નળીયાં ઉપરથી નીચે પડવા લાગ્યાં; ધુમાડાના ગોટેગોટ ચાલ્યા; અને તાપના ભડકા ઓરડામાં ઉન્મત્તાઈથી રમત રમવા લાગ્યા. બહાર લોકોનું મોટું ટોળું મળ્યું. તેઓ પાણીના ઘડા, કુહાડા તથા આગ હોલવવાનો તથા ઘર તોડી પાડવાનો સામાન લઈને આવ્યા; પણ આગનું જોર વધી ગયું, અને જે મેહેલ પાટણ શેહેર વસાવતી વખતે વનરાજે બાંધેલો, જે મહેલમાં મુળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, ભીમદેવ, ઇત્યાદિ રાજાઓ જન્મ્યા, તથા મુઆ, જે મેહેલમાં જયના આનંદકારક શબ્દ ઘણી વાર સંભળાયલા અને જેમાં પરાજયને લીધે વિલાપ તથા શોક ઘણીએક વાર થયેલો, જે મેહેલે રાજ્યના નાના પ્રકારના ફેરફાર જોયલા, અને જેણે આશરે સાડી પાંચસેં વર્ષ, વાયુ, વૃષ્ટિ, તથા કાલચક્રના અનેક સપાટો ખમેલા, તે મેહેલ આજે અગ્નિદેવને ભેટ્યા; અને જેમ દેહરૂપી ઘરનો ધણી બહાર નીકળી ગયા પછી તેને અગ્નિદાહ કરવામાં આવે છે, તેમ તે રાજ્યમેહેલનો ધણી રાજા કરણ તેનો ત્યાગ કરી ગયે ત્યારે તેણે પણ અગ્નિમાં પ્રવેશ કીધો, પણ રાણીએ એ સારું નામ પ્રાપ્ત કરવાને તથા આબરૂ મેળવવાને જે પ્રયત્ન કીધે તે નિષ્ફળ જવાનો હતો; પૃથ્વી ઉપરના તેઓના પ્રવાસની મુદ્દત હજી પુરી થયેલી ન હતી, તેઓનું કામ હજી બાકી રહેલું હતું, હજી તેએાને સુખદુઃખનો સ્વાદ વધારે ચાખવાનો હતો, તેથી એવું બન્યું કે જે વખતે આગનું જોર ભરપુર ચાલી રહ્યું હતું, તથા રાણીઓને પોતાની ધારેલી મતલબ જલદીથી પાર પડશે એવી આશા હતી, તે વખતે મુસલમાન લોકોનું લશ્કર શેહેરમાં આવી પહોંચ્યું, અને તે સઘળું બળતા મેહેલ આગળ આવી ઉભું રહ્યું.