પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪ )

તે ખેડુતો આવ્યા. ભીમદેવે પાછલા વર્ષનો ભાગ લેવાની ના કહી; પણ ખેડુતોએ કાલાવાલા કરી માંગી લીધું કે એ બાબતનો ફેંસલો કરવાને પંચ નીમવા જોઈએ. પંચે ઠરાવ કીધો કે બંને વર્ષના રાજાના ભાગ લેવા, અને આમદાનીમાંથી મૂળરાજના કલ્યાણને અર્થે ત્રિપુરૂષપ્રસાદનું દહેરૂં બાંધવું, ખેડુત લોકો તો એવા હોય છે. માટે બાપજી ! મંત્રીના કહેવાથી કામ ના કરતાં ઉપલા દૃષ્ટાંત ઉપર પણ વિચાર રાખજો.” એ પ્રમાણે વાતની વાતમાં પોતાનું કામ કાઢી લઈ મનમાં ઘણો સંતોષ પામીને ભાણો પટેલ મુંગો રહ્યો.

માધવે વિજીયાદત્ત ગોરની તથા ભાણા પટેલની વાત લક્ષ દઈ સાંભળ્યા પછી જેઠાશા તરફ ફરી તેને પુછયું, “કેમ શાહ ! તમારે કાંઈ દુ:ખ રડવું છે?” તે વર્ષે તેને વ્યાપારમાં નફો સારો મળ્યો હતો તેથી તેના મનમાં એવું હતું કે આખા જગતમાં વ્યાપારીઓ સુખી જ હોવા જોઈએ. તો પણ કાંઈ બોલવું તો જોઈએ માટે તે પોતાની બડાઈ કરવા લાગ્યો, “મ્હેં હોણ સ્તંભતીર્થ તથા ભૃગુપુર (ભરૂચ) બંદરે ઘણુંએક મંજીષ્ઠ (મજીઠ) મોકલ્યું છે. વળી બેટ દ્વારિકા, દેવ૫ટણ, મહુવા, ગોપનાથ અને બીજા બંદરોના મારા આડતિયા લખે છે કે અમે ઘણોએક માલ તમારી તરફથી લીધો છે. તે બધામાંથી રોટલા ખાવા જેટલું કુટી કાઢીશું, હોણ મળત વધારે, પણ સૂર્યપુર (સુરત) તથા ગણદેબા (ગણદેવી) બંદર આગળ મારાં વહાણ આવતાં હતાં તેમાંનો માલ ચાંચીયા લોકો લુંટી ગયા. તો પણ એટલું ભાગ્ય કે સોનાની મોહોરો સંતાડી રાખી હતી તે બચી ગઈ; નહી તો હોણ દેવાળું કાઢવાનો વખત આવત, બાપજી ! કાંઈ વધારે તમને કહેવાનું તો નથી, પણ એ ચાંચીયા લેાકોનો કાંઈ બંદોબસ્ત થાય તો સારૂં નહી તો અમારા જેવા વેપારી લોકનું સત્યાનાશ વળી જશે વળી રાજ્યમાં જે માલ આવે છે તથા જાય છે તે ઉપર દાણ જરા વધારે છે તેમાંથી કાંઈ ઘટાડો થાય તો સારૂં, તમે શ્યાણા છે એટલે વધારે બોલવાની જરૂર નથી, તો પણ જેમાં આપણો સ્વાર્થ રહેલો તેમાં બોલ્યા વગર પણ કેમ ચાલે ? કહેવત છે કે “માગ્યા વિના મા પણ ન પિરસે.”