પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૫)

સમાચાર તેને મળ્યા નહી. પણ તેટલા ઉપરથી અલફખાં હિંમત હાર્યો નહી પણ તે જ્યાં હોય ત્યાંથી તેને પકડી આણવાને તેણે ચોતરફ સવારો મોકલ્યા.

જ્યારે અલફખાં કૌળારાણીની રાહ જોતો હતો તે વખતે તે એકલી ઘોડા ઉપર બેસીને પોતાના બાપના દેશ ઝાલાવાડ તરફના રસ્તા ઉપર ઘણી ઉતાવળથી મુસાફરી કરતી હતી. રૂપ હોવાથી જે દહેશત સ્ત્રી જાતને હોય છે તે કૌળારાણી ઉપર આવી પડી. તે મહા ફિકરમાં પડી, ઘોડો દોડાવતી દોડાવતી આગળ જતી હતી, પણ તેનું રૂપ જણાઈ આવશે એવી તેને ક્ષણે ક્ષણે ધાસ્તી પડતી. વેશ બદલ્યો હતો તે છતાં પણ તેને કોઈની સામું જોવાની હિમ્મત નહીં હતી તે ધોરી રસ્તો મૂકી આડે અવળે ઠેકાણેથી જંગલ, પહાડ, તથા વિકટ રસ્તે જતી હતી, તે કોઈ પણ ગામમાં વાસો કરતી ન હતી; પણ કોઈ જંગલમાં એકાંત સ્થળ જોઈ ત્યાં રસોઈપાણી કરી બપોર ગાળતી, તથા તેવે જ ઠેકાણે રાત્રે વાસો કરતી. જે બાગબગીચામાં રહેતી, જેની આગળ રોજ ફુવારા ઉડી રહેતા, જેને ઠંડક કરવાને ખવાસો રોજ પંખા નાંખ્યા કરતા, જેને શરીરે ચંદન અરગજાનો લેપ થતો, તેને હમણાં ફાગણ મહીનાના બપોરનો સખત તડકો ખમવો પડ્યો, જે હમેશાં સુખપાલમાં બેસીને ફરતી તેને ઘોડાની સખત સ્વારી કરવી પડી. જે સવામણ રૂની તળાઈમાં સુતી, તથા જેને નિદ્રા લાવવાને હજારો ઉપાય કરવા પડતા તેને હમણાં ભોંય ઉપર સુકાં પાતરાં ઉપર, અથવા વખતે ઝાડ ઉપર સુવું પડ્યું, અને ત્યાં તેને રાજપલંગ કરતાં મીઠી ઉંઘ આવતી, જે રોજ પકવાન અને બીજાં મિષ્ટ ભોજન આરોગતી તે હમણાં વનફળ અથવા કાંઈ હલકું પાતળું ખાઈને દેહને આધાર આપતી. જેને જરા પણ કામ કરવું પડતું ન હતું, જેનો હુકમ બજાવવાને સેંકડો ખિદમતગારો રજુ રહેતા તેને હાથે રાંધવું પડતું, તથા બીજું સઘળું કામકાજ કરવાને પોતાની જાત સિવાય બીજું કોઈ ત્યાં ન હતું. કેટલાએક દહાડા સુધી એ પ્રમાણે મુસાફરી કરતાં કરતાં એક મોટા અરણ્યમાં તે જઈ પહોંચી, તે જંગલ ઘણું ઘોર તથા