પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૮ )

છીએ, અમે તો મોતની સાથે હળી ગયલા છીએ; મોત તો અમારો સોબતી છે, તેથી અમે તેનાથી જરા પણ ડરતા નથી. તારા પાદશાહથી અને બીજા કોઇથી મોત કરતાં બીજું શું વધારે થઈ શકવાનું છે, માટે ઉતાર લુગડાં, નહી તો બળાત્કારે લઈ લઈશું.” હજી કૌળારાણીએ લુગડાં ઉતારવાની આનાકાની કીધી તેથી તે ચોરને ગુસ્સો ચઢ્યો અને તેઓએ પાસે આવીને તેને ઘોડા ઉપરથી પાડી નાંખી, અને તેનાં લુગડાં કાઢવા માંડ્યાં. ઉપરનું વસ્ત્ર ખસેડતાં મોતી તથા હીરાના હાર જોઇને ચોરોને ઘણું આશ્ચર્ય લાગ્યું, પણ તેવામાં તેનામાં જ્યારે સ્ત્રીનાં લક્ષણ તે ભીલ લોકોએ જોયાં ત્યારે તેઓ એવા તો વિસ્મિત થયા કે ત્યાં હવે શું કરવું તેનો વિચાર કરતા જ ઉભા રહ્યા. કૌળારાણી બેશુદ્ધ થવા જેવી થઇ ગઇ અને અકળામણમાં તે બોલી ઉઠી: “ શિવ શિવા શિવ ! રે ભગવાન ! આ શી અવસ્થામાં આવી પડી છું ! હું કોણ અને આ ભીલ લોકો કોણ ! કોઈ વખત ઉપર તેઓ મારી સામું પણ જોઇ શકતા ન હતા, અને આજે તેઓ મારું આટલું અપમાન કરે છે. અરે મારા ભર્તાર ! અરે કરણ રાજા ! તું શા માટે જ્યાં હોય ત્યાંથી આવીને તારી પરમ પ્રિય સ્ત્રીનું રક્ષણ કરતો નથી ? અરે યમરાજા ! જો મારો ધણી તારી હદમાં હોય તો તેને ત્યાંથી જલદીથી મોકલી દે કે તેની પટરાણીને આ વખતે તેની તલવારના જોરથી આ દુષ્ટ ચોરોના હાથથી મૂકાવે.”કૌળારાણીના આ શબ્દ સાંભળીને ભીલ લોકો ત્રાસ પામ્યા, અને તેઓના મનમાં ખાતરી થઈ કે એ કરણ રાજાની રાણી હશે, તેના દરજ્જા ઉપરથી તથા તેના શરીર ઉપર જે ઘણાં મૂલ્યવાન ઘરેણાં હતાં તે ઉપરથી, જો તેઓના નાયકને ખબર કીધા વિના તેને લુંટી લે, અને સઘળો માલ પોતે રાખે તો નાયક ઘણો કોપાયમાન થાય, અને કાયદો તોડવાની તેઓને ભારે શિક્ષા થાય, એ વિચારથી તેઓએ તેને નાયક પાસે લઈ જવાનો ઠરાવ કીધો. પણ તેઓમાંથી એક જે બીજા કરતાં વધારે લોભી હતો તેને એ વાત ગમી નહી. નાયક પાસે લઈ જઈશું તો તે સઘળું લઈ લેશે, અને તેઓને તેમાંથી ઘણું થોડું મળશે એ વિચારથી તેણે તેના સોબતીઓને કહ્યું –“શું જોયા કરો છો ? તેનું માથું કાપી નાંખો, સઘળાં લુગડાં ઘરેણાં ઉતારી લો; અને તેના મડદાને