પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૯ )

કોઈ ઠેકાણે ફેંકી દો, નાયક પાસે લઈ જવામાં આપણને શો ફાયદો છે?” બીજા ભીલ લોકોનો અભિપ્રાય તેના જેવો ન હતો. એક સ્ત્રી અને તે વળી આવી મોટી રાણી તેને નકામી મારી નાંખતાં તેઓનું દીલ ચાલ્યું નહી. વળી ઘરેણાં એટલી બધી કિમ્મતનાં હતાં કે વેચવા જવાથી પકડાઈ જવાય, અથવા એ વાત છાની રહે નહીં, એવી તેઓની ખાતરી હતી, માટે તેઓએ તેઓના સોબતીની વાત કાને ધરી નહીં. તેઓ કૌળારાણીને માનપૂર્વક ઉંચકી ઘોડા ઉપર બેસાડી પાસેના ગામમાં તેઓના નાયકના ઘરમાં લઈ ગયા.

નાયક એક ઝુંપડામાં એક ખાટલા ઉપર બેઠેલો હતો. તેની ઉમર ત્રીશ અને ચાળીશની વચ્ચે હતી, પણ તેનો ધંધો ભટકવાનો, તથા જોર વધારે એવો હોવાથી તે પચીશ ત્રીશ વર્ષની વચ્ચેની ઉમરનો હોય એવડો દેખાતો હતો. નાયકને રામ રામ કરી સઘળા ચેારોએ કૌળારાણીની પેહેલેથી તે છેલ્લે સુધી તમામ હકીકત કહી, અને તેને સ્વાધીન કીધી. નાયકે ચોરોને ઘણી શાબાશી આપી, અને થોડા દહાડા પછી તેઓને ભાગ આપવાની કબુલાત આપીને તેઓ સઘળાએાને વદાય કીધા.

જ્યારે નાયક એકલો રહ્યો ત્યારે તેણે કૌળારાણીની તરફ જોયાં કીધું. તેના મનમાં અનેક વિકારો થવા લાગ્યા અને તેની સાથે લગ્નથી જોડાઇ તેને સુખી કરવા તે કૌળારાણીને સમજાવવા લાગ્યો. કૌળાદેવી બીચારી નિરાધાર હતી. તે વખતે તેની વહારે ધાય એવું કોઈ નહોતું તેથી તે કાંઈ પણ બોલ્યા વિના ઉભી રહી. રાત પડી અને નાયક રોજ કરતાં કાંઈક વધારે અફીણ ખાઈ સુતો તે જોઈ કૌળાદેવી ઉઠી અને જગદંબાની સ્તુતિ કરી પોતાની પાસે ખંજર સંતાડી રાખ્યું હતું તેવડે તે નાયકને કારી જખમ મારી તેને પળવારમાં યમ શરણ મોકલી દીધો. પછી પોતે નાયકનાં લુગડાં પેહેરી વાડામાં ગઈ. ત્યાં તેના ઘેાડામાંથી એક સારો જલદ ઘોડો પસંદ કરી તે ઉપર સ્વાર થઈ રાત્રે ને રાત્રે આગળ ચાલી. નાયક જાણીને તેને કોઈએ હરકત કીધી નહી, અને સવારે જ્યારે નાયકના ઘરનાં માણસોને તેના મોતની ખબર પડી, અને ત્યાર પછી તે ખબર આખા ગામમાં પથરાઈ, અને ગામના કેટલાએક લોકો કૌળારાણીને પકડવાને નીકળ્યા, ત્યારે તે ઘણે આઘે ચાલી ગઈ હતી.