પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧૦ )

કૌળારાણીને ખાતરી હતી કે સવારે ગામના લોકો તેની પાછળ લાગશે, અને જો તે આગળ ચાલ્યાં કરશે તો કોઈ દહાડો પણ તે પકડાઈ જશે. એ દેહેશતથી એક ગામ આવ્યું ત્યાંના રાજા પાસે થોડા દહાડા સુધી રહેવાનો તેણે ઠરાવ કીધો. રાજાની આગળ તેણે પોતાની સઘળી હકીકત કહી, અને તે સાંભળીને તેને એટલી તો દયા આવી કે પોતાને માથે ભારે જોખમ ખમીને તેને રાખવાનું તેણે કબુલ કીધું, સંકટમાં આવી પડેલા માણસોને સહાયતા ન કરવી એમ કેમ થાય ? તેમાં વળી આશ્રય માગનાર સ્ત્રી એટલે ના કહેવી એ તો મુશ્કેલ જ.

જ્યારે કૌળારાણી તે ગામમાં શત્રુના ભયથી બચી, તે વખતે ભીલના નાયકના માણસો ઘોડા ઉપર બેસીને તેને પકડવાને આવતા હતા. એ ભીલ લોકોને, અલફખાંએ પણ તે જ કામને માટે મોકલેલા સવારો મળ્યા. તે બંને ટોળાનાં માણસોએ માંહેમાંહે વાતચિત કરવા માંડી તે ઉપરથી મુસલમાન સવારોની ખાતરી થઈ કે જે રાણીને તેઓ શોધે છે તે જ નાયકને મારનાર છે. એ સઘળા તે ગામ તરફ ચાલ્યા, પણ રસ્તામાં તેઓ બન્નેની વચ્ચે મોટી તકરાર થઈ. જો કૌળારાણી પકડાય તો તેને પોતાના ગામમાં લઈ જવી, અને નાયકનાં બઈરાંછોકરાંની સમક્ષ તેનો રીબીરીબીને પ્રાણ લેવો એવો તે ભીલોનો મનસુબો હતો. મુસલમાન સવારોને એવો હુકમ મળેલો હતો કે તેને જીવતી પકડીને અલફખાંની રૂબરૂ રજુ કરવી. હવે એ બે વાત શી રીતે બને? માટે તેઓ માંહેમાંહે તકરાર ઉપરથી ગાળાગાળી ઉપર આવ્યા, અને તેમ કરતાં મારામારી ઉપર વાત આવી ગઇ. બંને તરફના કેટલાક માણસો કપાઇ ગયા, અને જો બંને તરફ બે વૃદ્ધ માણસો વચ્ચે પડ્યા ન હોત તે તેઓ સઘળા ત્યાં અનંતકાળ પણ વાસ કરત; કૌળારાણી સુખેથી પોતાના બાપ પાસે જઈ પહોંચત; અને અલફખાં ઘણો જ નાઉમેદ થઈ જાત. પણ એમ થવા દેવાની ઈશ્વરની મરજી ન હતી. બે વૃદ્ધ માણસોએ એવું સમાધાન કીધું કે જે લોકો તેને પહેલી પકડે તેઓ તેને લઈ જાય. બંને તરફના માણસોએ એ વાત કબુલ કીધી, પણ મુસલમાન સવારો મનમાં ભીલો