પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧૧)

ઉપર ઘણાં ખીજવાઈ રહેલા હતા, અને જે કદાપિ રાણી ભીલોના હાથમાં આવશે તો તેઓ તેને લઇ જશે, તેઓની સઘળી મહેનત નિષ્ફળ જશે, તથા અલફખાંને ખુશ કરી પોતાનો ફાયદો કરી લેવાનો આવો પ્રસંગ ફરીથી આવશે નહી, એ સઘળી વાત ઉપર નજર રાખીને તેઓએ ભીલ લોકોને નક્કી કરવાને નિશ્ચય કીધો. પછી એક રાત્રે જ્યારે તેઓ સઘળા સુતેલા હતા, તે વખતે મુસલમાન સવારો સંકેત પ્રમાણે એકદમ ઉઠ્યા, અને સઘળા ભીલ લોકોને કતલ કીધા. એ નિર્દય કામ ઉંઘતાં માણસો ઉપર કીધા પછી તેઓ ગામમાં પેંઠા, અને ત્યાં રાણીની તજવીજ કરવા લાગ્યા. દૈવયોગે એવું બન્યું કે રાજાના હજામને તેઓએ તે બાબદ પુછ્યું. સઘળા દેશોમાં હજામની જીભ ઘણી લાંબી તથા પેટ ઘણું નાનું હોય છે, તે પ્રમાણે તેણે તેઓને કહી દીધું કે ઈહાંના રાજાના મહેલમાં એક બે દહાડા થયાં એક પરેાણો આવેલ છે તેને રાજાજીએ ઘણો સત્કાર કીધેલો છે. સવારોને નક્કી થયું કે એ જ કૌળારાણી હશે તેથી તેઓએ રાજાને તુરત સંદેશો મોકલ્યો કે જે નવો માણસ તેની પાસે આવેલો છે તેને અમારે સ્વાધીન કરવો શરણાગતને શત્રુના હાથમાં આપી દેવો એ સમાન બીજું કાંઈ મોટું પાપ નથી એમ સમજીને, તથા કૌળારાણીએ ઘણા કાલાવાલા કીધા તેથી દયા લાવીને રાજાએ થોડી વાર આનાકાની કીધી, પણ જ્યારે સવાર લોકોના ઉપરીએ ફરી કહેવડાવ્યું કે અમારા કહેવા પ્રમાણે એકદમ કરશો નહી તે આખું પાદશાહી લશ્કર તમારા ગામ ઉપર તુટી પડશે, તમારું સઘળું રાજ્ય ઉજડ કરશે, અને તમને ગાદીએથી ઉઠાડી મુકશે, ત્યારે તે રાજા ભય પામ્યો, અને કૌળારાણીને એ સઘળી વાત સમજાવીને કહી. તેણે તે ગામમાંથી નાસી જવાનો ઠરાવ કીધો. પણ જો તે એ પ્રમાણે કરે તો મુસલમાન લોકોના મનમાં એવું આવે કે તેણે તેને જાણી જોઈને જવા દીધી અને તેઓ તેના ઉપર તેઓનો સઘળો ક્રોધ કાઢે, તેથી તેણે દરવાનોને હુકમ આપ્યો કે જે અજાણ્યો માણસ ગામ બહાર જવાનું કરે તેને પકડી પાદશાહી સવારોના ઉપરિને સ્વાધીન કરવો. તે