પૃષ્ઠ:Karanghelo.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧૫ )

નાની નાની નદીઓ વહેતી હતી, અને જ્યારે તેઓ ઉંચી જગાએથી ઉતરતી, અને પથરાઓ ઉપર અથડાતી, નાના છોડવા તથા પુલોને છુંદતી, તથા પહાડોના ઘસારાથી કાળા નાના કાંકરાએામાં રમતી આગળ ચાલતી, ત્યારે તેમની સ્થિતિ જોઈને આપણને આપણી બાલ્યાવસ્થા યાદ આવ્યા વિના રેહેતી નહી, બીજી કેટલીએક નદીઓ ઉંચા ટેકરાઓ ઉપરથી નીચે પડતી તેના મોટા ધોધવાથી ગર્જના થઈ રેહેતી, તેના ઉપર ફીણના જે ગોટા આવતા, અને તેના ઉપર જ્યારે સૂર્યનાં કિરણ પડતાં ત્યારે તેઓનું વક્રીભવન થઈને તેઓમાંના સાત જુદા જુદા રંગો છુટા પડીને ઈદ્રના ધનુષ્ય જેવો આકાર ત્યાં થતો તે ઘણો જ આશ્ચર્યકારક લાગતો હતો. એવા ધોધવાઓ નીચે પડીને આગળ વેહેતા, કેટલાએક નીચે પડી ત્યાં એકઠા થઈ રેહેતા, એટલે ત્યાં નીતર્યું કાચ જેવું તળાવ બનતું, અને કેટલીએક નદીએાના જુસ્સાથી જમીન ઘસાઈને ત્યાં મોટી મોટી ખાઈઓ થતી, અને તેમાંથી તેઓ વિજળીને વેગે દોડતી. જ્યારે ચોમાસામાં અષાડ મહિનામાં વાદળાંથી ઘોર ઘટા થઈ રહેતી, તથા વિજળીના ચમકારા અને મેઘગર્જનાના કડાકા થતા ત્યારે તે જગાનો દેખાવ ખરેખરે દબદબા ભરેલો તથા ભયાનક થઈ રેહેતો હતો. વાદળાં તો જાણે આપણા પગ નીચે ગોટા ને ગોટા અથવા ધુમસની પેઠે પથરાયલાં દેખાતાં હતાં, અને તેઓ પીગળીને પાણીનાં ટીપાં થઈ નીચે પડતાં તે આપણને લાગતું જ નહી, વિજળી ઝાડ અથવા ટેકરીઓની ટોચથી ખેંચાઈ આવીને પડતી તે વખતે પથ્થરોના ફાટવાથી તથા ઝાડોના પડવાથી મોટા મોટા અવાજ થતા હતા, વળી ગર્જનાના શબ્દ પણ એક પહાડ ઉપર અથડાઈ બીજા ઉપર પડતા; અને ત્યાંથી અથડાઈ ત્રીજાને લાગતા, અને એવી રીતે થયાથી ગડગડાટના કડાકા ને કડાકા કેટલીએક વાર સુધી પહોંચ્યાં જ કરતા. વરસાદ પણ ત્યાં એટલો બધો વરસતો કે તેનો ખ્યાલ મેદાનમાં વસનારાઓથી થઈ શકે નહી. એ સઘળું પાણી એકઠું થઈ નદીઓમાં વહેતું તેથી તે સઘળાં ઝરણો ભરપૂર થઈ જતાં હતાં. ઉનાળાના સખત તાપથી ઝાડો બળી ગયેલાં