પૃષ્ઠ:Karanghelo.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૦ )

દીલથી પોતાના બાપને ખુશ કરવાનો તે જે પ્રયત્ન કરતી હતી તેથી કરણ રાજાને અર્ધો આરામ થયો. એ બે છોકરીઓ તેના બાપને ખરેખરાં રત્નો હતાં, અને અગરજો તેણે દુનિયામાં સઘળું ખેાયું હતું તોપણ તે મોટો ખજાનો તેને નસીબે રહી ગયો હતો. તેઓ તેના ઘા ઉપર ઠંડા મલમના જેવી હતી. જેમ ભુખ્યાને અન્ન, જેમ તરસ્યાને પાણી, જેમ દર્દીને ઔષધ, તેમ કરણ રાજાને એ બે છોકરીઓ હતી. જેમ જેમ સઘળી દુનિયાએ તેનો વધારે ત્યાગ કીધો, તેમ તેમ તેઓએ તેને પ્રેમની જાળમાં વધારે સાંકળી લીધો. જ્યારે બીજા લોકો તેને આડી અાંખે જોવા લાગ્યા તે વખતે તેઓ પ્રીતિથી ભરપૂર નેત્રથી તેને નિહાળતી હતી. જ્યારે તેના ખોટા મિત્રો લીલા વનનાં સૂડાની પેઠે ઉડી ગયા ત્યારે ઈશ્વરે તેને શુદ્ધ પ્રેમવાળી પુત્રી મેળવી આપી. અને જ્યારે તેના ચાકરો, સિપાઈઓ, વગેરે કામ કરનારા જતા રહ્યા ત્યારે તેને ભાડુતીએણ નહી પણ ખરા હેતવાળી મદદ કરનાર પુત્રી આવી મળી.

એ પ્રમાણે કરણનું સુખ માત્ર પાંચ વર્ષ સુધી પહોંચ્યું, પરમેશ્વરની ગતિ અકળ છે, તથા તેનાં કામોનાં કારણો શોધી કઢાય એવાં નથી. આટલું બધું સંકટ ભોગવ્યા પછી કરણ રાજાને જે થોડું સુખ મળ્યું તે તેને ઘણી મુદ્દત સુધી અથવા તેના જીવતાં સુધી પહોંચશે એવી આશા રાખવામાં આવે, અને ઈશ્વર મરતાને વધારે મારશે નહી એવી કલ્પના થાય; પણ એ આશા તથા ક૯પના ઘણી વાર ખેાટી પડે છે. માણસ ઉપર જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે ઘણું કરીને સામટું જ આવી પડે છે, અને એ સઘળી આફતોમાં જે માણસ પોતાનું ધૈર્ય છોડતો નથી, તથા પરમેશ્વર ઉપરનો જેનો દૃઢ વિશ્વાસ, જરા પણ ડગતો નથી તે માણસ ખરેખરે ધર્મી, તથા તે જ ખરેખરો ઈશ્વરનો ભક્ત જાણવો, માણસના વિશ્વાસની તથા ભક્તિની એ પ્રમાણે પરમેશ્વર પરીક્ષા લે છે તેમાંથી ઘણા જ થોડા પસાર થાય છે. હમણાં તો કરણ રાજાનો વારો આવ્યો, અને જે વખતે તેનાં આગલાં દુઃખોના ઘા પૂરેપૂરા હુજુ રૂઝાયા નહતા, તથા જે વખતે સુખનો જરા સ્વાદ ચાખવા માંડ્યો હતો, તે વખતે તેને એક બીજો કારી જખમ લાગ્યો.