પૃષ્ઠ:Karanghelo.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૨ )

કાળ નિર્ગમન કરવાનો ઠરાવ કીધો હતો, તથા જે કામોમાં શૂરાતન દેખાડવાનો પ્રસંગ આવે તે કામો ઉપર તેને ઘણો શોખ હતો, તેથી શિકારમાં જવાને તેણે કબુલ કીધું. તેણે હજુ સુધી દેવળદેવીને વીહીલી મુકી નહતી, તેથી તેને એકલી રાખીને જતાં તેનું મન માન્યું નહીં. તેણે દેવળદેવીને પોતાની સાથે લીધી, અને હથિયાર બાંધીને તે ભીમદેવ તથા શંકળદેવને જઈને મળ્યો. પછી તેઓ સઘળા જે જંગલમાં પેલા વાઘો હતા ત્યાં ગયા; અને એક માંડવો તૈયાર કરાવીને તે ઉપર દેવળદેવી તથા કેટલાંએક માણસોને રાખી કરણ તથા દેવગઢના બે રાજપુત્રો જંગલમાં આગળ ચાલ્યા. ગામના કેટલાએક લોકોએ ઘાડી ઝાડી તથા કોતરો આગળ જઈ મોટા અવાજ કીધા, અને વાઘને ભય પમાડીને બહાર કાઢવાને ઘણીએક તરેહના પ્રયત્નો કીધા. એટલામાં કીકીયારી કરી વાઘ એક છલંગ મારી બહાર નીકળ્યો, અને એક પંજાના સપાટાથી ગામના એક માણસને મરણતોલ કરી ભોંય ઉપર પાડ્યો, એટલે બધા જીવ લઇને નાઠા. તેએામાંથી એકની ગરદન પકડી તેને પણ મારી નીચે પાડ્યો, તે વખતે કરણે એક તીર માર્યું પણ તેની ચપળતાને લીધે જ્યાં તાકીને માર્યું હતું ત્યાં ન વાગતાં તેને પુંછડી આગળ જખમ લાગ્યો. વાઘે ખીજવાઈને દોડ કીધી તે વખતે ત્રણ રજપૂતો સિવાય સઘળા નાસવા લાગ્યા. વાઘે આવી ભીમદેવના હાથી ઉપર તલપ મારી, અને જો તે જ ક્ષણે શંકળદેવે એક તીર મારી વાઘને પાછો પાડ્યો ન હોત તો તે હાથીનો નિશ્ચય કાળ આવત, અને ભીમદેવની શી દશા થાત એ કહેવાય નહીં. પણ શંકળદેવના તીરનો ઘા તેના કલેજામાં વાગ્યો તેથી તે પડ્યો. તે જ વખતે ભીમદેવે નીચે ઉતરીને તેના મ્હોંમાં એક ભાલો માર્યો, તેની સાથે લોહીનો ધોધવો તેના મ્હોંમાંથી નીકળ્યો, અને એક ભયંકર ચીસ પાડી તે જોરાવર વાઘ, તે વનના પશુઓનો રાજા, તે પ્રાણઘાતક પશુ, તે અગણિત હિંસા કરનારૂં જાનવર મુડદું થઈ ચતુપાટ પડ્યું. પણ તેની મરતી વખતની ચીસથી આખું રાન ગાજી રહ્યું, અને તેનો અવાજ એક ભાગમાં તેની માદા પડેલી હતી ત્યાં સંભળાયો. પોતાના સ્વામીનો કોઇએ પ્રાણ લીધો તેનું વેર લેવાને