પૃષ્ઠ:Karanghelo.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૩ )

કોધના આવેશથી તેણે છલંગ મારી અને વિજળીને વેગે દોડતી આવી. તેને મારવાને કોઈને વખત મળ્યો નહી, એટલામાં તો તે માંડવા સાથે અથડાઈ, અને તેના ધણીને મારનાર માંડવા ઉપરના માણસો હશે એમ ધારી તેના એક ટેકાને તે વળગી. વાઘમાં જોર અતીશય હોય છે, અગરજો કે તે ઝાડ ઉપર ચઢી શકતો નથી, તોપણ કોઈ નબળા પાતળા ઝાડને તેના ઘણા જ સામર્થ્યવડે તે તોડી પાડી શકે છે. આ વખતે વાઘણે તે માંડવાના એક ટેકાને એટલા જોરથી આચકો માર્યો કે તે આખો માંડવો એક મોટા અવાજ સાથે નીચે કકડી પડ્યો. તે ઉપર જે માણસો હતાં તેઓમાંથી કેટલાંક જીવ લઈને નાઠાં, કેટલાંએકનાં શરીર આટલે ઉંચેથી પડવાથી એવાં તો બેહેર મારી ગયાં કે તેઓથી તુરત ઉઠાયું જ નહી, અને બાકીનાં ભયથી એવાં બેભાન થઈ ગયાં કે તેઓને શું બન્યું તેની કંઈ ખબર રહી નહી. વાઘણે પોતાના પંજાવડે એક બે માણસોને સખત જખમી કીધાં, અને દેવળદેવી બાહોશ જેવી પડી હતી તે ઉપર તલાપ મારવાની તૈયારી કીધી. પણ જ્યારે આ પૃથ્વી ઉપરની અપ્સરા, આ નિર્દોષ છોકરી, આ કરણ રાજાના જીવનો આધાર જીન્દગી અને મોતની હદ ઉપર આવી પડી હતી, બલકે જ્યારે તે મૃત્યુના અગાધ કરાડા ઉપર નિમાળાને આધારે લટકેલી હતી, જ્યારે તેને મદદ કરે એવું કોઈ દેખાતું ન હતું, તે વખતે પાસેની ઝાડીમાંથી એક માણસે આવી તે વાઘણ ઉપર તલવારનો ઘા કીધો, અને જેવી તે પાછી ફરી તેના ઉપર હુમલો કરવાનું કરે છે એટલામાં તેના મ્હોંડાની વકાશમાં તેણે ભાલો એવા જોરથી ખોસી ઘાલ્યો કે તે તેના દાંત પાડી નાંખીને તેના તાળવામાં ભોંકાયો. એ ઘા તેને વાસ્તે બસ હતો. એક મોટી ભયાનક ચીસ પાડી તે તમરી ખાઈ નીચે પડી, અને પડતાંને વાર તેના તલવાર વતી તે માણસે કડકે કડકા કરી નાંખ્યા. જોખમનો વખત તો ગયો; મોતનું વાદળું ઘસડાઈ ગયું; ભરદરિયાના ભારે તોફાનમાંથી વહાણ લગભગ ભાંગી પડતું બચ્યું; તો પણ આવા અચાનક મોતના ભયથી તેને જે આચકો લાગ્યો હતો, તેની અસર જલદીથી જતી રહી નહી. દેવળદેવી કેટલીએક વાર બેશુદ્ધ રહી, અને તેને જાગૃત કરવાને ગમે તેટલા ઉપાય કામે લગાડ્યા તો પણ