પૃષ્ઠ:Karanghelo.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૪ )

તેથી કંઈ વળ્યું નહી. કરણ તો પોતાની અતિ વહાલી છોકરીને આવી અવસ્થામાં જોઈને ઘેલા જેવો થઈ ગયો, અને તેનાથી તો તેને શુદ્ધિમાં આણવાને કાંઈ બન્યું નહી. શંકળદેવનું સઘળું તન અને મન એ કામમાં લાગેલું હતું, અને તેની મેહેનત તથા અગણિત યુક્તિઓને લીધે જ તેને પાછી શુદ્ધિ આવી જે વખતે દેવળદેવીએ આંખ ઉઘાડી, ત્યારે તેના પ્રાણ બચાવનાર શંકળદેવ ઉપર તેણે પોતાની નજર માંડી. તેટલી નજર જ શંકળદેવના મનનું હરણ કરવાને બસ હતી. તેની આંખમાં ઉપકાર તથા પ્રીતિ એ બંને એકઠાં મળેલાં હતાં, તેની અસર જલદીથી થઈ ગઈ. ધનવંત્રી તથા લુકમાન હકીમોએ ઔષધનાં જુદાં જુદાં મિશ્રણો કીધાં હશે, તેઓની અસર પણ આવી તત્કાળ થઈ નહીં હોય. એ દૃષ્ટિ પડ્યા પછી શંકળદેવની આખી જીન્દગી જ બદલાઈ ગઈ; તે એક નવો જ માણસ થયો; અને નવા નવા વિકારો તેના મનમાં એક પછી એક આવવા લાગ્યા. તે સઘળાની એકઠી થયલી અસર તેનાથી ખમાઇ નહીં. તેથી તે ગભરાટમાં ત્યાંથી નાસી ગયો અને એક ઝાડને ઓથે બેસી સ્વપ્નવત્ અવસ્થામાં કેટલીએક વાર સુધી પડી રહ્યો.

વાઘ તથા વાઘણ મરાયાં, અને દેવળદેવીના હોશ ઠેકાણે આવ્યા, એટલે ત્યાં વધારે વાર રહેવાનું કાંઈ પ્રયોજન રહ્યું નહી, તેથી તેઓ સઘળાઓએ કુચ કીધી. ગામડાંના લોકો ખુશ થઈને પોતાને ઘેર ગયા. કરણ તથા દેવળદેવી બાગલાણના કિલ્લામાં ગયાં, અને ભીમદેવ તથા શંકળદેવ દેવગઢ તરફ વળ્યા. દેવળદેવીના હૃદયમાં શંકળદેવની અનુપમ મૂર્તિ કોતરાઈ હતી, તે પોતાના પ્રીતમનાં દર્શનને માટે રાત દિવસ ચિન્તાતુર દેખાતી અને તેના વિયોગથી શોકમાં જ નિમગ્ન રહેતી હતી. શ્રાવણ માસના એક ખુશનુમા દિવસે દેવળદેવી પોતાની વાડીમાં શંકળદેવ વિષે જ વિચાર કરતી હતી, એટલામાં વાડીના કોટ ઉપરથી એક માણસે ભુસકો માર્યો હોય એમ લાગ્યું અને દેવળદેવી તે તરફ જોય છે તો તેની સમક્ષ તેના પ્રાણથી પણ અધિક વહાલા શંકળદેવને ઉભેલો દીઠો. થોડી વાર સુધી તે બંને જણાં પ્રેમના આવેશથી સ્તબ્ધ બની એકબીજાની સામું ટગર ટગર જોતાં ઉભાં રહ્યાં. પણ