પૃષ્ઠ:Karanghelo.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૫ )

પછી તરત જ તેઓ બંને પાસે ઉભાં અને સૂર્ય તરફ દૃષ્ટિ કરી પોતાનો પવિત્ર પ્રેમ અચળ રાખવા બંને જણે પ્રતિજ્ઞા લીધી. શંકળદેવ પછી પોતાની વહાલીને દુઃખસાગરમાં ડુબતી મુકી ત્યાંથી ચાલી નીકળ્યો.

ચેહેન તથા નિશ્ચિન્તપણામાં દહાડા જતાં વાર લાગતી નથી, તેમ દેવળદેવીને થયું. તેના પ્રાણપ્રિયની સાથે મેળાપ થયો તે જાણે ગઈ કાલે જ થયો હોય એમ તેને લાગતું હતું. એટલામાં એક દહાડો દેવગઢથી એક ભાટ તથા રાજગોર બાગલાણના કિલ્લામાં આવ્યા. કરણ રાજાએ તેઓનો ઘણો સત્કાર કીધો, અને તેઓને આવવાનું કારણ પૂછયું, ભાટે કેટલીએક ભાટાઈ કીધા પછી દેવગિરિના રાજ્યનો વિસ્તાર, તેની દોલત વગેરે વૈભવનાં ઘણા વિસ્તારે વખાણ કીધાં. અને પછી શંકળદેવને યુધિષ્ઠિર, અર્જુન, વિક્રમ, ભોજ, આદિ ઘણા એક નામાંકિત, સદ્દગુણી, તથા પરાક્રમી રાજાઓની ઉપમા આપી, અને વાઘના શિકારના દહાડાથી તે વાડીના મેળાપના દહાડા સુધી જે જે બન્યું હતું તે વર્ણવ્યું, દેવગઢના રાજા સાથે સંબન્ધ કરવાથી જે જે લાભ થશે તે સઘળા કહી સંભળાવ્યા, અને છેલ્લે શંકળદેવને વાસ્તે દેવળદેવીની માગણી કીધી.

કરણ રાજાને આ ભાટની વાત સાંભળીને ઘણો ક્રોધ ચઢ્યો. તેના મ્હેાં ઉપર લોહી ચઢી આવ્યું, અને તે રીસે ભરાઈને બોલ્યો: “અરે! ભાટજી ! જો કે હું મારું સઘળું રાજ્ય ખોઇ બેઠો છું, મારી પરમ પ્રિય સ્ત્રીને બળાત્કારે દિલ્હીના મ્લેચ્છ પાદશાહ પાસે ઘસડી ગયા છે, નિર્ધન, અશક્ત તથા રામદેવના આશ્રયમાં આવી રહ્યો છું, તો પણ હજી તમે ધારો છો એટલે અધમ થયો નથી. હજી મારામાંથી રજપૂતનું લોહી ગયલું નથી. હજી મારે ક્ષત્રીનો ટેક કાયમ છે; માટે તમારા કહેવા પ્રમાણે હું કદી કરનાર નથી. શું વાઘેલા રજપૂતે પોતાની કન્યા એક મરેઠા સાથે પરણાવવી ? શું હંસણીને કાગડાના ટોળામાં ભેળવવી? શું ગાયને ગધેડામાં સામેલ કરવી ? એ કદી થનાર નથી. તમારો રાજા ગમે તેવો મોટો હશે, તમારું રાજ્ય ગમે તેટલું બળવાન, ધનવાન તથા વિસ્તીર્ણ હશે, તથા શંકળદેવમાં સઘળા દેવતાના ગુણો એકઠા થયા હશે, તો પણ તે મરેઠો, તે રજપૂતની કન્યા વરવાને યોગ્ય નથી. મારા