પૃષ્ઠ:Karanghelo.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૧ )

પડે છે, તેઓને પણ હમેશાં લાભ જ થાય એમ બનતું નથી; ત્યારે સાચવટ અને પ્રમાણિકપણે ચાલનાર એવી આશા રાખે કે એ પ્રમાણે વર્તવાથી પરમેશ્વર તેના ઉપર મહેરબાન થઈ તેને હમેશાં સુખી રાખશે, તેની ઉમેદ હમેશાં બર લાવ્યાં કરશે, તથા તેને માથે કોઈ દહાડો પણ આફત આવી પડશે નહી, તો તે ઘણો નાઉમેદ તથા નિરાશ થઈ જાય છે; અને તેનું પરિણામ એ થાય કે તેના મનમાં બેમાંથી એક વાતની શંકા ઉત્પન્ન થાય છે, એક તો એ કે પરમેશ્વર ઈનસાફી નથી; તે આંધળો થઈ બેઠો છે, તથા સારાંનઠારાં માણસોમાં કાંઈ ભેદ ગણતા નથી માટે તેના ઉપર પ્રીતિ રાખવાથી, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખવાથી, તથા સારાં કામોના બદલાની તેની તરફથી આશા રાખવાથી કાંઈ ફળ નથી; અથવા તેને એવી ખાત્રી થાય છે કે સારાંનઠારાં કામોમાં કાંઈ ભેદ નથી. નઠારાં કામનો નઠારો અને સારાં કામનો સારો બદલો મળશે એ ખોટું છે; એ એક જુઠી લાલચ અસલના વખતમાં ડાહ્યા લોકોએ આપેલી છે, તથા નઠારાં કામ કરતાં લોકોને અટકાવવાને વ્યર્થ ધમકી બતાવેલી છે; જે મૂર્ખના મનમાં એ પ્રમાણે શંકા ઉત્પન્ન થાય છે તેમાં ખરેખરો તેનો વાંક છે, પરમેશ્વરનો નથી. અગરજો જગતના નિયમ એવા બનાવેલા છે કે સદ્ગુણીને ઘણી વાર લાભ થાય છે, તોપણ તેઓનાં સારાં કામોનો બદલો આ લોકમાં મળે એવો પરમેશ્વરનો હેતુ નથી. માટે પરલોકમાં સારાં ફળ ભોગવવાની ઉમેદથી જ તથા સદ્દગુણનો બદલો સદ્દગુણ જ છે એમ જાણી જે લોકોને સદ્ગુણે આચરવું હોય તેઓએ દુનિયા તરફના લાભ ઉપર નજર રાખવી નહીં. જે દેશની સ્થિતિ એવી હોય કે સાચવટ રાખ્યાથી જાનમાલને નુકશાન પહોંચે તો તે દેશ છેડીને જતા રહેવું, અથવા ત્યાં રહી સાચવટને આપણે દેહ, માલમતા, અથવા આપણી વહાલામાં વહાલી વસ્તુઓ જરૂર પડે તો અર્પણ કરવી, પણ સાચવટ કદી છોડવી નહી એવી નીતિ છે. શું બકરી પોતાના નિર્દોષપણા ઉપર વિશ્વાસ રાખી ઉભી રહે તો વાઘ તેને માર્યા વિના રહેશે ? શું ચકલી પોતાની ગરીબાઈ તથા નિરપરાધીપણા ઉપર ભરોસો રાખી