પૃષ્ઠ:Karanghelo.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૨ )

નિશ્ચિન્ત બેસે તો શકરો તેને તલ૫ મારી લઈ નહીં જાય ? એ તો સુષ્ટિના નિયમ પ્રમાણે થશે જ. બિહારીલાલને એ વાતનું જ્ઞાન ન હતું, અથવા તે વખતે તે ભુલી ગયો હતો. હવે જ્યારે તે આવી આફતમાં આવી પડ્યો, ત્યારે કેટલાએક દુનિયાદારીમાં ડાહ્યા તથા વખત પ્રમાણે ચાલનારા તેના મિત્રો તેને આવી મળ્યા, અને તેને કેહેવા લાગ્યા, “હવે બાળો તમારી સાચવટ, આવડા મોટા થયા તો પણ બરાબર અક્કલ આવી નહી, ભાઈ ! જેવો દેશ તેવો વેશ રાખવો, અને સમય પ્રમાણે વર્તવું, તે દહાડે જો અમારી સલાહ પ્રમાણે પેલા ચંડોળ ઉઘરાતદારનું મ્હોં પૂર્યું હોત તો આ દહાડો કદી આવત નહીં. પણ તે દહાડે તો સાચવટ ઉપર ગયા ! હવે તમારી સાચવટ કેમ મદદ કરી શકતી નથી ? જો તે દહાડે માન્યું હોત તે થોડે પતત. હવે પૈસા પણ વધારે ખરચવા પડશે, અને તેમ કીધા પછી પણ કામ સિદ્ધ થશે એવી પાકી આશા નથી. સાચવટ ! જો સાચવટ રાખવી હોય તો દુનિયામાં શામાટે રહો છો ? વેરાગી અથવા સંન્યાસી થઈ જાઓ. પછી તમારૂં ડહાપણ ચલાવજો.” આ બધા ઠોક બિચારા નિર્બળ મનના બિહારીલાલે સાંભળી લીધા; અને ઘણું પસ્તાઈને તેઓની સલાહ માથે ચઢાવી કેટલાક પૈસા સાથે રાખીને ઉપર કહ્યા પ્રમાણે તે એક મહેલ આગળ ઉભો રહી, આ પ્રકરણને મથાળે જે શબ્દો લખ્યા છે તે બોલ્યો.

જ્યારે અલફખાંએ પાટણ શહેર લીધું, ત્યારે તેના સંભાળવામાં આવ્યું કે ખંબાતમાં ઘણા દ્રવ્યવાન વ્યાપારીઓ છે તે ઉપરથી લુંટની આશાથી સઘળું લશ્કર તે શેહેર ઉપર ચઢ્યું. ત્યાં જઈ તે શેહેર લીધું તથા ત્યાંના તમામ ધનવાન લોકોનાં ઘરો લુંટી લીધાં. એ લુંટમાં અલફખાંએ એક ખુબસુરત ગુલામને પકડ્યો. તે એક વ્યાપારીના તાબામાં હતો, અને તેને ખેાજો કરીને તેના ઝનાનખાનાની ચોકી કરવા ઉપર રાખ્યો હતો. જ્યારે તે ખંબાતમાં હતો ત્યારે તે ખોજો કાફુર એ નામથી ઓળખાતો હતો, અને તેનામાં રૂપ સિવાય બીજા ઘણા ગુણો હતા. પોતાનો સ્વાર્થ સાધવાને તથા દુનિયામાં મોટી પદવી