પૃષ્ઠ:Karanghelo.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૫ )

હરામખોરી કરી કરોડો રૂપીઆ પચાવ્યા છે, અને નાના છોકરાને સમજાવવા આવ્યો હોય તેમ આટલી અશરફી મૂકીને પોક મૂકે છે. હું કાંઈ કરી શકતો નથી. પાદશાહ પાસે સઘળું કામ ગયલું છે જો અપરાધ સાબીત થશે તો મોત સિવાય બીજી કાંઈ શિક્ષા નથી.” બિહારીલાલે ઘણા કાલાવાલા કીધા, પણ કાંઈ પણ કામ થતું નથી એમ જોઈને તેણે તેવી જ એક બીજી કોથળી પણ ખાલી કીધી; પણ સઘળું વ્યર્થ ગયું. કાફુર તો તેના નામ પ્રમાણે ખરેખરે કાફર હતો. આવા રૂપની સાથે તેનામાં આવું દુષ્ટ અન્તઃકરણ હશે એમ કોઈના ધાર્યામાં આવે નહીં, તે તો ઇંદ્રવારણાનું ફળ. તેથી જ્યારે બિહારીલાલે એવી પાંચ કોથળી ઠાલવી ત્યારે જ તેનો ચેહેરો નરમ પડેલો દેખાયો, અને ત્યારે જ તેણે બિહારીલાલને વચન આપ્યું કે હવે તારા માથાના એક વાળને પણ નુકસાન પહોંચશે નહી. બિહારીલાલ ત્યાર પછી ઘણો હરખાતો હરખાતો બહાર ગયો, અને કાફુર પણ ખુશ થઈ ચાકરને તે થેલીઓને ખજાનામાં મૂકવાનો હુકમ કરી, દર્વેશ પાસે ગયો, દર્વશે આ સઘળું બન્યું તે છાનાંમાનાં જોઈ લીધું, અને પૈસાને વાસ્તે એક કાફર હિંદુ ઉપર દયા કીધી, જરની ખાતર પાક મઝહબનું એક ફરમાન તોડી જઝીઓ કર માફ કીધો, એ જોઈને કાફુર ઉપર તેને ઘણે ગુસ્સો ચઢ્યો.

જ્યારે મલેક કાફુર તેની પાસે આવી બેઠો ત્યારે તેણે જે કામ કીધું તે મુસલમાન ધર્મના ફરમાનની વિરૂદ્ધ કીધું એમ ઘણા ક્રોધથી જણાવ્યું, દર્વેશ સાહેબે હિન્દુધર્મની ઘણી નિન્દા કીધી અને એવા ધર્મ પાળનારા એક નાપાક માણસનો ગુન્હો માફ કરી ખુદાની નજરમાં પોતે જ ગુન્હેગાર ઠર્યો એમ સાબીત કરી આપ્યું. અનેતે કાફુરે તે ગુસ્સે થયેલા દર્વેશને પાંચશે અશરફમાંથી અડધો ભાગ આપી શાંત કર્યો. તે ધર્મગુરૂ તે અશરફી ગાંઠે બાંધી અન્તઃકરણથી કાફુરને આશીર્વાદ દેતો ત્યાંથી ચાલ્યો ગયો અને મલેક કાફુર પણ દરબારમાં જવાની તૈયારી કરવા લાગ્યો.