પૃષ્ઠ:Karanghelo.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૬ )

હવે બિહારીલાલ મોતના સપાટામાંથી તથા એથી વધારે બીજી મોટી આફતમાંથી બચી ગયો તેથી તેના હૈયામાં હર્ષ માયો નહી. તે રસ્તામાં જેવો હવામાં ચાલતો હતો, પણ જ્યારે તે દિલ્હીના મોટા ચોગાનમાં આવ્યો, ત્યારે એક ભયંકર દેખાવ તેની નજરે પડ્યો. આ વખતે મોગલ લોકો હિન્દુસ્તાન ઉપર હમેશાં હુમલો કર્યા કરતા હતા, તથા રાજ્યને નિરંતર ઉપદ્રવ કરતા હતા, ઐબકખાં કરીને એક મોગલનો સરદાર, હજાર બળવાન સવાર તથા એથી વધારે બીજાં માણસો લઈને હિંદુસ્તાન ઉપર આવ્યો, અને મુલતાન શેહેર ઉજડ કરીને સિવાલિક પહાડો આગળ છાવણી નાંખીને પડ્યો. એ લોકો ઉપર પાદશાહી લશ્કરે હુમલો કીધો, અને ઘણાંએક માણસને કાપી નાંખી તેઓને હરાવ્યાં. જેઓ જીવતાં રહ્યાં તેઓ જંગલમાં તરસ તથા ઉના પવનથી મરણ પામ્યાં, અને તેઓના લશ્કરમાં ત્રણ હજાર માણસો કેદ પકડાયાં તે સિવાય એક પણ આદમી જીવતો રહ્યો નહી, ઐબકખાં અને એ ત્રણ ચાર હજાર કેદીઓને દિલ્હીમાં લઈ આવ્યા; અને તેઓ સઘળાને એકદમ મારી નાંખવાને ત્યાં તૈયારી થઈ રહી હતી. પોતાનાં માણસોની શી દશા થાય છે તે જોવાને ઐબકખાંને એક પ્રસિદ્ધ ઠેકાણે બાંધીને બેસાડેલો હતો. સઘળા મોગલ લોકોનાં બઈરાંછોકરાં જે પકડાયાં હતાં તેઓને જુદે જુદે શેહેર મોકલીને બજારમાં હરરાજ કરી ગુલામ દાખલ વેચી નાંખ્યાં હતાં; અને તેઓના મરદોને ઘણી દુષ્ટ રીતે મારી નાંખવાને પાદશાહનો હુકમ થયો હતો. તે ત્રણ હજાર માણસોની ત્રીશ ત્રીશની સો ટુકડી કીધી, અને તે ટુકડીઓને આઘે આઘે રાખી, પછી ત્યાં સો ગાડાં આણ્યાં, તથા સો જોરાવર હાથીઓને લાવી તેઓને દારૂ પાઈને ઘણા જ મસ્ત કીધા પછી સો જલ્લાદોએ આવીને તેઓએ એક એક ટુકડી તથા એકેક હાથી લઈ લીધો, અને એકેક માણસને હાથીના પગતળે છુંદાવી નાખી બધાંને મારી નાંખ્યા. એ પ્રમાણે થોડાએક વખતમાં ત્રણ હજાર ઈશ્વરના પેદા કીધેલા માણસોના પ્રાણ આ રાક્ષસી દુષ્ટ ચંડાળ પાદશાહે લેવડાવ્યા. ત્રણ હજાર માણસને આવી ક્રૂર રીતે મારી નાંખ્યા એ વિચાર