પૃષ્ઠ:Karanghelo.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૭ )

કીધાથી જ શરીરમાંનું સઘળું લોહી ઠરી જાય, એ સ્વાભાવિક છે. ગાંડા મસ્ત થયલા સો હાથીઓને આવી રમત મળી તેથી મગ્ન થઇ તેઓ વખતે વખતે બરાડ પાડતા હતા. તે અવાજો, તે બિચારા કેદીઓ તેના મોટા તથા ભારે પગના દબાણથી કચડાઈ જતા હતા તેઓનું કષ્ટ તથા તેઓની તે વખતની ચીસાચીસ, જેઓને મરવાનો વારો આવ્યો ન હોતો તેઓનાં ચિન્તાથી તથા ભયથી લોહી ઉડી ગયેલાં મ્હોડાં, તેઓનો નિરાશ દેખાવ, તથા બેબ્હાકળી આંખો, કેટલાએક નબળા મનના મોગલોની આવા દુષ્ટ મોતના ધાકથી થયલી દયામણી શિકલ, તથા પોતાનો દેશ, બઈરી, છોકરાં, સગાંવહાલાં, એ સઘળાં યાદ આવ્યાથી તેઓની આંખોમાંથી વહેતી આંસુની ધાર, તથા પોતાના મન ઉપર અખતિયાર ન રહેવાથી કેટલાકનું ડુસકાં ભરીને રડવું, એ સઘળાંની કલ્પના માત્ર કરો. પછી કોણ એવો વજ્ર હૈયાનો હશે કે તેને દયા આવ્યા વિના રહેશે ? અને કોના નિમાળા ઉભા નહી થાય ? પણ આટલી બધી ક્રુરતા એ નિર્દય પાદશાહને બસ લાગી નહી. થોડેક દૂર કેટલાએક કસાઈઓ બેઠેલા હતા, તેઓ મરી ગયલા મોગલોની ખોપરીઓ કાપીને કાઢી લેતા હતા, અને તેઓને ગાડાંમાં ભરતા હતા. આ તમાસો જોઈને બિહારીલાલને ઘણો કમકમાટ ઉપજ્યો. તોપણ એ ખોપરીઓને શું કરે છે એ જાણવાની આતુરતાથી તે સઘળાં ગાડાં ભરાયા પછી તેઓની પાછળ તે ગયો. એ સઘળાં ગાડાં દિલ્હીના બુદાયુન દરવાજા આગળ ખાલી કીધાં, અને ત્રણ હજાર ખોપરીઓને એક ઉપર એક ગોઠવીને તેઓનો એક ઉંચો સ્તંભ બનાવ્યો.

એ ભયંકર કામ પૂરું થયું, એટલે લોકોનું એક મોટું ટોળું તે રસ્તે આવ્યું, તેમાં એ મોગલનો સરદાર ઐબકખાં ઘોડા ઉપર બેઠેલો હતો. તેના હાથ બાંધેલા હતા, તથા પગે ઘણી ભારે બેડીઓ જડેલી હતી. એ લોકોના ટોળામાં બિહારીલાલ પણ સામેલ થયો, અને તેઓ સઘળા નદી કીનારે ગયા, ત્યાં પહોંચ્યા પછી તમાસગીર લોકો જમુનાને કાંઠે હારબંધ ઉભા રહ્યા, અને ઐબકખાંને એક હોડીમાં બેસાડ્યો, અને તેમાં પાદશાહનાં માણસો બેઠાં. ઐબકખાંની ઉમર