પૃષ્ઠ:Karanghelo.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૮ )

આશરે પાંત્રીસ વર્ષની હતી, અને તેનું શરીર પણ ઘણું જોરાવર હતું. પણ હમણાં તો તેની સઘળી ઉમેદ ભાંગી ગઈ હતી; તેનું લશ્કર હારી ગયું હતું; તેને મહા સંકટ વેઠવું પડ્યું હતું; તેનાં ઘણાંએક માણસો ભુખ તરસથી માર્યા ગયાં હતાં; તે દુશ્મનના હાથમાં પકડાયો હતો; તેને દિલ્હીમાં ઘણાં અપમાન સાથે લાવ્યા હતા, તેણે તેની નજરે પોતાના જાતભાઈઓને, પોતાના જુના તથા નિમકહલાલ સિપાઈઓને આવા દુષ્ટ મોતે મરતા જોયા હતા; પોતાને પણ મરવાની સજા થયલી હતી; અને હમણાં મોત તેની પાસે આવી ઉભું રહેલું હતું, એ સઘળાં કારણોથી તે છેક નંખાઈ ગયલો માલમ પડતો હતો. તે મરવાથી જરા પણ બીહીતો ન હતો. પણ પોતાની તથા પોતાના લશ્કરની આ દશા થઈ તેથી માવરાઉન્‌નહર, એટલે સ્વતંત્ર તાતાર દેશના પાદશાહ અમીર દાઉદખાંથી અમીર બેગ તથા ખાજા તાશના મૃત્યુનું વેર લેવાયું નહી, એ વાતથી તેને ઘણું જ દુ:ખ થતું હતું. પણ હવે તે શું કરે ? લાચાર. હોડી પવનના જોરથી જમુના નદીમાં આગળ ચાલી અને જ્યારે તે વચ્ચોવચ્ચ આવી, ત્યારે તેને અટકાવીને ત્રણ ચાર માણસોએ ઐબકખાંને ઉંચકીને નદીનાં ઉછળતાં મોજાંમાં ફેંકી દીધો. તે બીચારાના હાથ બાંધેલા, પગે બેડી, એટલે, તેનાથી તરી તો કયાંથી શકાય ? તે પછાડા પણ મારી શક્યો નહી. પોતાના અંગબળ વડે તે એક વાર ઉંચો આવ્યો, અને આ દુનિયા ઉપર છેલ્લી નજર કરી સઘળાને રામરામ કરી લીધા; પણ તુરત તે નીચે ગયો, અને તેના ઉપરનું પાણી થોડી વાર સુધી હાલ્યા પછી પાછું સ્થિર થઈ ગયું. એ પ્રમાણે આ કમનસીબ સરદાર મરણ પામ્યો. જમુના નદીનું પાણી તેની કબર થઇ. અને કાલિન્દીનું કાળું નીર તેની લાશ ઉપર ફરી વળ્યું. તેણે મરતી વખત એકપણ ચીસ પાડી નહી, પણ ચુપકીથી તેનો આત્મા તેના ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ચાલ્યો. તમાસગીર લોકોના મન ઉપર આ ભયંકર મોત જોઇને કાંઈ પણ અસર થઈ નહીં. અગર જો તેઓ એવા રાક્ષસ ન હતા કે તેઓ આ તમાસો જોઇને ખુશીની બુમ પાડે, તોપણ કસાઈને બકરું