પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૫ )


અયનુલમુલ્ક મુલતાનીને હુકમ થયો હતો, તથા ગુજરાતના સુબા અલફખાંને પણ લશ્કર લઈ મલેક કાફુર જોડે એકઠા થવાનું લખ્યું હતું. કાફુરે પાદશાહની છેલ્લી રજા લીધી, અને તેના જવાથી તથા લડાઈના સપાટામાં તે કદાચ મરણ પામે એ વિચારથી પાદશાહે ઘણી દિલગીરી બતાવી. આ વખતે પણ દેવળદેવીને લાવવાનું તેણે યાદ દેવડાવ્યું, અને જો તેને નહી લાવે તો મારા ક્રોધને લીધે મારાથી જે થઈ જશે તેને હું જવાબદાર નથી, એમ કહી સંભળાવ્યું.



પ્રકરણ ૧૩ મું.

જુવાન પુરૂષ અથવા સ્ત્રી જે પેહેલી જ વાર પ્રીતિ બાંધે છે તેમાં અટકાવ થવાથી તેને જે દુ:ખ ઉપજે છે તે સૌથી આકરૂં છે. એમ થવાથી તેનું હૈયું ફાટી જાય છે; તેના શરીરમાં અવ્યવસ્થા થઇ જાય છે અને દુનિયા સ્મશાન જેવી ઉદાસ લાગે છે. તેને કાંઈ કામ ધંધો સુઝતો નથી; અને જો તે જગાનો ફેરફાર કરી અથવા બીજી કોઈ પણ રીતે તે બાબતના સઘળા વિચારો ખસેડી નાંખે નહી તો તેની ખરાબી થઈ જાય છે. જ્યાં પ્રીતિમાં થોડી મુદ્દત સુધી પોંહોંચે એવો જ અટકાવ થયો હોય, જ્યાં નિરાશાના અંધકારમાં આશાનું કાંઈ પણ ઝાંખું કિરણ આવતું હોય ત્યાં તો ધીરજ રાખી શકાય છે, તથા વખતે તેથી વધારે કાંઈ અસાધારણ પ્રયત્ન પણ થઈ શકે છે; પણ જ્યાં આશાનું ઢાંકણું દેવાયું ત્યાં સુખનું ઢાંકણું દેવાયું એમ સમજવું. ઘણાએક પુરૂષો જ્યારે એવી અવસ્થામાં આવી પડે છે ત્યારે દેશાટન કરે છે, અને ત્યાંના નવા નવા પદાર્થો જોવાથી, નવાં નવાં કામોમાં પડવાથી, તથા વખતે કોઈ નવી સુંદરીના સમાગમમાં થતા સુખથી આગલું દુઃખ નિવારણ કરી શકે છે.પણ સ્ત્રીઓને એ પ્રમાણે થવું કઠણ પડે છે. તેઓનું અન્તઃકરણ વધારે નરમ હોય છે, તથા તેઓનાં હૈયાં ઉપર મીણની પેઠે પ્યારની છાપ વધારે મજબુત બેસી જાય છે તે જલદીથી ભુસાઈ જતી નથી;તેઓને બીજા દેશમાં