પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૬ )

અથવા બીજા શહેરોમાં ફરવા જવાનું ઘણી વખતે બની આવતું નથી, તથા નવી વાત ગ્રહણ કરી જુની વાત વિસારી નાંખવાને ક્વચિત જ પ્રસંગ આવે છે; તેઓ મુંઝાયાં કરે છે, તેઓ બળ્યાં કરે છે, તેઓ જે નાજુક પ્રકૃતિનાં હોય ત્યારે તો તેમનાં શરીરમાં રોગ પ્રવેશ કરે છે અને ક્ષયરોગથી તેઓનો અન્ત આવે છે. એ પ્રમાણે કાંઈ હમેશાં જ બનતું નથી, તે પણ પ્રીતિમાં આશાભંગ થવાથી પુરૂષો કરતાં તેમને વધારે દુઃખ થાય છે.

કરણે શંકળદેવનું માગું પાછું વાળ્યું ત્યારથી દેવળદેવીના સુખનો સૂર્ય અસ્ત પામ્યો. આશાને લીધે જે ઉમંગ તેને થયેલો તે જતો રહ્યો. તેના મ્હેાં ઉપર ઉદાસીનું વાદળું ફરી વળ્યું, તેનું શરીર ગળવા લાગ્યું; તથા ધીમે નાશકારક તાવ તેના શરીરમાં દાખલ થયો. તેનું ખુશકારક હસવું બંધ પડી ગયું; તેના રાગમાંથી સઘળી મીઠાશ ઉડી ગઈ; તેની વાણીની મધુરતા જતી રહી; અને જ ખુલ્લા દિલથી તથા ઉલ્લાસથી તે ચાલતી તે ચાલ હવે બિલકુલ બદલાઈ ગઈ. આ સઘળા ફેરફાર જોઈને કરણને પણ ઘણી દિલગીરી થઈ. પૈસા, વ્હાલ અને બીજા ઘણાએક ઉપાયોથી તેની અસલ સ્થિતિ પાછી લાવવાને તેણે ઘણાં ફાંફાં માર્યા; પણ જેનું માથું દુઃખે તેના પેટ ઉપર ઓસડ ચોપડવાથી શો ફાયદો? જેના કલેજામાં ઘા લાગેલો તેને બહારના ઉપાય શી રીતે કામ લાગે ? જ્યાંસુધી તેના અન્તઃકરણમાંનો કીડો જીવતો રહે ત્યાંસુધી જે જે ઉપાય કરે તે સર્વે વ્યર્થ જાય જ.

એવી ઉદાસ વૃત્તિમાં આવી પડેલી પુત્રીની સાથે કરણ રાજા એક દહાડો બેઠો હતો, તથા તેની દિલગીરી કાઢી નાંખવાને તેને શિખામણ દેતો હતો, એવામાં એક મુસલમાન અમીર કેટલાંએક માણસ લઈને બાગલાણના કિલ્લામાં આવ્યો. અકસ્માત આવો માણસ આવી રીતે તેના એકાંત રહેવાના ઠેકાણામાં આવ્યો તે જોઈને કરણ રાજાને મોટું આશ્ચર્ય લાગ્યું, તથા તેના જીવને મોટી ફાળ પડી. એ નવતર આવનારથી કાંઈ માઠાં જ પરિણામ નીવડશે એવી તેને સ્વાભાવિક પ્રેરણા થઈ આવી, અને હવે શી વધારે ખરાબી થશે એ