પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૫૦ )

એક મોટા દેશ ઉપર રાજય ચલાવ્યું છે, માટે તમને વધારે કહેવાની જરૂર નથી, હું તમારી તરફથી નકારની તો આશા રાખતો જ નથી; પણ જો કદાચ તમારા દુર્ભાગ્યને લીધે, તથા પડતા દહાડામાં માણસની અક્કલ ઉંધી થઈ જાય છે તેને લીધે જો તમે ના કહેશો તો થોડે અંતરે એક મોટું સૈન્ય તૈયાર છે તે ઈહાં આવી બળાત્કારે તે છોકરીને પકડી જશે પછી તમારું કાંઈ ચાલવાનું નથી અને તેમાં તમારી શોભા પણ રહેશે નહી.”

આટલી વાત સાંભળતાં સાંભળતાં જ કરણને વારે વારે ક્રોધનો આવેશ તો આવતો હતો, પણ તેણે અત્યાર સુધી તેના મન ઉપર અંકુશ રાખ્યો હતો, હવે જ્યારે તેને બેલવાનો વારો આવ્યો ત્યારે તેનું મન તેને વશ રહ્યું નહી. તેણે જુસ્સાથી જવાબ દીધો-“અગર જો આસમાન તુટી પડે, અગર ધરતી રસાતાળ જાય, અગર પાદશાહ પોતે તથા તેથી પણ વધારે ખુદ પરમેશ્વર મારી પાસેથી એ છોકરી માગવા આવે તો પણ હું તેને ખુશીથી તો કદી આપું નહી. હું હમણાં એવી અવસ્થામાં છું કે મને કોઈ માણસનો ડર રહ્યો નથી. મેં મારું સઘળું સર્વસ્વ ખોયું છે. હવે મારી પાસે જવાનું બાકી રહ્યું નથી. મારા ઉપર સઘળી જાતની આફત પડી ચુકી છે. હવે વધારે અથવા એથી મોટી આફત બીજી છે જ નહી. તેથી હું તમારા પાદશાહથી, તમારા મલેક કાફુરથી તથા તેના અગણિત લશ્કરથી જરા પણ બીહીતો નથી. હજુ રજપૂતો એટલા અધમ થઈ ગયા નથી, હજુ તેઓમાં આબરૂનો છેક નાશ થઈ ગયો નથી, હજુ તેઓમાંથી જાતનો તથા કુળનો અહંકાર એટલો ગયો નથી કે તેઓ પોતાનું રક્ષણ, પોતાનો લાભ, પોતાનું સુખ, પોતાની દીકરી પારકાને આપીને માગે ના, ના, એવો દહાડો હજુ આવ્યો નથી, અને આવતાં ઘણી વાર છે. છોકરીને મ્લેચ્છ પાદશાહને આપું? તેને દુષ્ટ ચંડાળ લોકોને સોંપું ? તેને તેના બાપના કટ્ટા શત્રુને, તેના બાપનું વગર કારણે રાજ્ય હરણ કરનારને, તેને આવી દુર્દશામાં લાવનારને ત્યાં મોકલું ? એમ કદી થનાર નથી, જયાં લગી આ ઘટમાં પ્રાણ છે, જ્યાં સુધી આ શરીરમાં રૂધિર વહે છે, જ્યાં સુધી તલવાર પકડવાને આ હાથ સલામત છે, ત્યાં સુધી હું એ છોકરીને મારા