પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨પ૧ )

હાથમાંથી જવા દેવાનો નથી. તેને લેતાં પહેલાં તેના રક્ષણને અર્થે મારો પ્રાણ અર્પણ કરવાને તૈયાર છું. મારા મોત પછી તેનું જે થાય તે ખરૂં, પણ શું કરણને વાસ્તે જગતમાં એમ કહેવાશે કે તેણે જીવતાં પોતાના સ્વાર્થને સારૂ પોતાની છોકરી વેચી? કદી નહીં. હું તેને મારે હાથે કાપી નાંખીશ; એ કુમળું ફુલ અપવિત્ર તથા અધમ હાથમાં જાય તે કરતાં હું તેને તોડી નાંખીશ; એ પાણીદાર અમૂલ્ય મોતી કોઈ નીચના શરીરને શણગારે તે કરતાં હું તેને ભાંગી ચૂરેચૂરા કરી નાંખીશ. એ વાતની અમને રજપૂતને કાંઈ શરમ નથી. તેથી અમારી કાંઈ અપ્રતિષ્ઠા થવાની નથી. તે તો અમારો અસલથી ચાલ્યો આવેલો સંપ્રદાય જ છે. અમે તો અમારા કુળની લાજ રાખવાને તથા હલકા માણસને અમારી કન્યા આપવી ન પડે માટે છોકરીઓને જન્મતાં જ દુધપીતી કરીએ છીએ. મેં તેને જીવતી રાખી, મ્હોટી થવા દીધી, એ જ મેં ભૂલ કીધી. પણ હજી શું ગયું છે? એક તલવારના ઘાથી ધારેલું કામ બની આવશે. એક ઘાથી મારી, મારા કુળની, મારી જાતની, મારા દેશની આબરૂ રહેશે. એક ઘાથી તમારા પાદશાહની ઉમેદ અફળ થશે. અને એક ઘાથી મારી છોકરી અપવિત્ર થતી બચશે. અરે ચંડાળ, દુષ્ટ, પાપણી કૌળાદેવી! હવે તને રાણી શા માટે કહું? અરે ! મ્હેં તને કેટલું સુખ દીધું છે ? મેં તને કેટલાં લાડ લડાવ્યાં છે? મેં તારો મ્હોંમાંથી પડતો બોલ ઝીલ્યો છે, મેં તને પટરાણી બનાવી હતી તે સઘળાનો બદલો તું આજ બહુ સારો લેવા નીકળી છે ? તને એ જ યોગ્ય છે ! અરે ! તું તારા ધણી, તારી છોકરી, માબાપ, સગાંવહાલાં, ન્યાતજાત, દેશ, એ સઘળું છોડીને ધર્મથી ભ્રષ્ટ થઈ. એક મ્લેચ્છ પાદશાહના ઝનાનખાનામાં મહાલે છે, તું જીવતા વરે બીજાને વરી, તેં એક ભવમાં બે ભવ કીધા, તું હમણાં એક દુષ્ટ અધર્મી પુરૂષની બાથમાં પૈસાને લોભે ભરાઈ છે, અને સઘળી જાતનાં સુખ ભોગવે છે, તેની હું અદેખાઇ કરતો નથી; પણ તું મારી જરા પણ દયા રાખતી નથી, તું મારી અવસ્થા જોતી નથી, તું મારા અથાગ દુ:ખ ઉપર કાંઈ પણ નજર કરતી નથી; તું કેવી સ્વાર્થી કે તને એટલાં બધાં સુખ છતાં છોકરીનું