પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨પ૨ )

પણ સુખ જોઇએ છીએ, અને હું સઘળી રીતે પાયમાલ થઈ ગયલો, હું આ મઠમાં સાધુની પેઠે દુનિયાનો તથા સુખનો ત્યાગ કરી બેઠેલો; હું એક છોકરી ઉપર મારા થોડા સુખને વાસ્તે આધાર રાખી રહેલો, તેટલું પણ સુખ તું મારી પાસેથી લઈ લેવા માગે છે ? અરે ભુંડી ! તારી છોકરી આવવાથી તારા સુખમાં તો તેથી ઘણો જ થોડો વધારો થવાનો છે, પણ હું તો તેના વિના ટળવળીને રઝળી રખડીને મરણ પામીશ. તે સઘળું પાપ તારે માથે. અરે દુષ્ટ ! તું દુખીયાને વધારે દુખીયો કરવા ચાહે છે, તને કોઈ દહાડો સુખ થવાનું નથી. તું પણ મારી પેઠે દુ:ખી જ થશે. હમણાં તો તારા સુખના મધ્યાહ્‌નનો સૂર્ય છે, પણ કોઇ વખત પણ સાંજ પડશે, કોઇ વખત પણ તે અસ્ત થશે, અને પછી ઘોર અંધારૂં થઈ જશે. પણ હું મિથ્યા શોક શા માટે કરું છું ! અને આ સંદેશો લાવનારને શા માટે ખોટી કરું છું ? તમે અમીર સાહેબ ! જઈને તમારા સરદારને કહો કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી દેવળદેવીને કદી આપનાર નથી. તમારાથી જે થાય તે સુખેથી કરી લેવું.”

પેલા અમીરે જોયું કે તેની સાથે વધારે વાત કરવામાં કાંઈ ફળ નથી, અને તે એવો ગુસ્સા ઉપર ચઢી ગયો છે, તથા એવા હઠીલા સ્વભાવનો દેખાય છે કે નરમ ઉપાયથી માનવાનો નથી તેથી તે વધારે બોલ્યા સિવાય ઉઠી ગયો, અને તેણે જતી વખતે કરણને એટલું જ કહ્યું-“હજી વખત છે, કબુલ કરવું હોય તો હજી કરો. હું જઇને આ પ્રમાણે સઘળી હકીકત નાયબ મલેક કાફુરને જાહેર કરીશ. તે બધું લશ્કર લઇને તમારા ઉપર ચઢી આવશે, અને બળાત્કારે દેવળદેવીને લઇ જશે, અને હમણાં તેને રાજીખુશીથી આપવાથી જે લાભ થશે તે તે વખતે થવાનો નથી માટે પછી પસ્તાશો તેથી વિચાર કરો.” કરણ રાજાએ કાંઇ જ જવાબ દીધો નહીં તે ઉપરથી જણાયું કે હજી તે કબુલ કરતો નથી, તથા પોતાની હઠીલાઈ મૂકતો નથી તેથી તે અમીર ત્યાંથી ચાલ્યો ગયો અને કરણનો જવાબ સુલતાનપુર જઈ મલેક કાફુરને કહ્યો.