પૃષ્ઠ:Karanghelo.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯ )

હતી, અને રામ તથા રાવણની લઢાઈ, મહાભારતની લઢાઈ, કૃષ્ણનો રાસ, વગેરે ઘણાંએક ચિત્રો કોરી કાઢેલાં હતાં. મહેલની માંહેની ભીંતો ભભકાદાર જુદા જુદા રંગોથી રંગેલી હતી, અને તેઓ ઉપર કેટલાએક તખ્તા તથા મોટા મોટા આરસા જડેલા હતા, તે દિવસે સૂર્યોદયની તૈયારી થતાં જ રાજ્યમહેલમાં ચોઘડીયાં વાગ્યાં, નોબત ગડગડવા લાગી, તથા શંખનાદ થયો એટલે રાજાએ શય્યાથી ઉઠી પોતાના વહાલા ઘોડાને બહાર કઢાવી થોડોએક ફેરવ્યો. પછી દાતણ કરી સ્નાન કીધું, અને પોતાના ઇષ્ટદેવ શિવની પૂજા ઘણાએક બ્રાહ્મણોની સમક્ષ કીધી. પછી બ્રાહ્મણો વેદના મંત્રો ભણ્યા તેમને રાજાએ ધારા પ્રમાણે દક્ષણા આપી. બહાર જે હજારો ગરીબ ભુખે મરતા ભિખારીઓ એકઠા થયા હતા તેઓને અનાજ આપવાનો હુકમ કીધો. એ કામ થઈ રહ્યા પછી લુગડાં, ઘરેણાં પેહેરીને પોતે દરબારમાં જવા નીકળ્યો.

જે વિશાળ ઓરડામાં દરબાર ભરાયું હતું તે ઘણો જ લાંબો, પહોળો તથા શોભાયમાન હતો. તેમાં સ્ફાટિકના કીર્તિસ્તંભો હતા. ભોંય ઉપર મોટી ગાદી પાથરેલી હતી, અને તેના ઉપર સફેદ ચાદર બીછાવેલી હતી. બાજુઓ ઉપર તકીયા મુકેલા હતા અને જે બાજુ તરફ રાજગાદી હતી તે તરફ રાજાના કામદારોને માટે તેઓના જુદા જુદા હોદ્દા પ્રમાણે વધારે અથવા એછી ઉંચાઈની બેઠકો બનાવેલી હતી. રાજાની ગાદી સઘળાથી ઉંચી હતી, તે કિનખાબની બનાવેલી હતી; તથા તે ઉપરની ચાદર બંગાળાની ઉંચામાં ઉંચી તથા મોંઘામાં મેાંધી મલમલની હતી; તકીયો પણ તેવો જ બનાવેલો હતો. પાસેની ગાદી યુવરાજ અથવા પાટવી કુંવરની હતી; પણ કરણ રાજાને કુંવર નહતો તેથી તે ગાદી ખાલી પડેલી હતી. તેની પાસેની ગાદી ઉપર માધવ પ્રધાન બિરાજેલો હતો. તેણે આ વખતે મંદીલની પાઘડી તથા કિનખાબનો ડગલો પહેરેલો હતો, અને સોનું, મોતી, હીરા, તથા બીજાં જવાહિરનાં ઘરેણાંની તેના શરીર ઉપર કાંઈ ખોટ ન હતી. તેની પાસે મુકુટધારી ઠાકોરો તથા મંડળેશ્વરો એટલે પરગણાના માલિકો બેઠેલા હતા. એક બે મંડળિક રાજા પણ હતા. બીજી તરફ ઉદેપુર,