પૃષ્ઠ:Karanghelo.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨પ૩ )


આ જવાબ સાંભળીને કાફુર ઘણો ગુસ્સે થયો, અને બે ત્રણ દહાડા પછી બીજો માણસ પાછો કરણની પાસે તેણે મોકલ્યો; તે પણ તે જ જવાબ લઈને પાછો આવ્યો. પાદશાહનો હુકમ થયેલો એટલે દેવળદેવીને લાવવી તો જોઇએ. અલાઉદ્દીને તેને બે ત્રણ વાર ટોકી ટોકીને કહ્યું હતું. તેણે તેને લાવવાનું વચન આપ્યું હતું, તથા તે જે હાથમાં નહી આવે તો કૌળારાણી કોપાયમાન થશે, અને તેની સત્તા પાદશાહ ઉપર એટલી તો છે કે તેના કહેવાથી તે પણ ક્રોધાયમાન થશે, અને તે જ્યારે રોશે ભરાયો ત્યારે આપણું માથું સલામત રહેશે નહી એવી કાફુરને પક્કી ખાતરી હતી. પણ એ કામ કાફુરને એટલું તો હલકું લાગ્યું કે પોતે બાગલાણ ઉપર સઘળા લશ્કર સાથે જઈ ત્યાં વખત ખોવો એ તેને જરૂરનું લાગ્યું નહી. દક્ષિણ દેશ જીતી ત્યાંથી અગણિત દોલત લુંટી લાવવી, તેમાંથી કેટલોએક ભાગ સિપાઈઓને, સરદારોને, તથા તેની સાથે આવેલા અમીરોને વહેંચી આપવો અને બાકી રહેલો ઘણો ભાગ કોઈ દહાડો તખ્ત મેળવવાને કામ આવે માટે પોતાને સારૂ રાખવો એ તેની મુખ્ય મતલબ હતી. તે ઉપર જ તેની નજર હતી. ત્યારે આવા હલકા કામમાં ગુંથાવાથી શું ફળ ? તે કામ બીજાઓ પણ કરી શકે માટે તેણે જાતે શા માટે તસ્દી લેવી જોઈએ ? એવો વિચાર કરી તેણે ગુજરાતના સુબા અલફખાંને લખી મોકલ્યું કે, તમારે એક મોટું લશ્કર લઈ અમારી છાવણીમાં જેમ બને તેમ જલદીથી આવી મળવું. વળી તમારે બાગલાણને રસ્તે આવવું, અને ત્યાં કરણ રહે છે તેની પાસેથી ગમે તે ઉપાયથી અને જરૂર પડે તો લડાઈ કરીને પણ તેની છોકરી દેવળદેવીને જીવતી પકડી ઘણી આબરૂની સાથે અમારી પાસે લાવવી. જો એ છોકરી તમારે હાથ આવશે નહીં, જો તે તમારા હાથમાંથી છટકી જશે, અથવા તમે તેને જવા દેશો, તો પાદશાહની તમારા ઉપર ઘણી જ ઈતરાજી થશે. અને તમારે પછી તમારો જીવ ખોવાની જ તૈયારી રાખવી. એ પ્રમાણે અલફખાં ઉપર પાટણ ખત મોકલીને મલેક કાફુરે સુલતાનપુરથી પોતાની છાવણી ઉઠાવી.