પૃષ્ઠ:Karanghelo.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨પપ )

વખતે તેઓના જુના, દુઃખમાં પડેલા રાજાની મદદે નહી આવે ? શું તેઓના મનમાંથી શરમ તથા આબરૂ એટલી જતી રહી હશે કે પોતાના દેશનો બચાવ નહી કરે ? શું તેઓને પોતાના દેશ ઉપરથી એટલી બધી પ્રીતિ ઉડી ગઇ હશે કે તેઓ નામરદ હીચકારાની પેઠે પારકા દુષ્ટ મ્લેચ્છ લોકોનો જુલમ મુગા મુગા ખમ્યાં કરશે ? શું આવી વખતે તે ચંડાળ લોકો ઉપર વેર લેવાને મારી સાથે સામેલ થશે નહી ? હું ધારૂં છું કે હજી એવો વખત આવ્યો નથી, હજી છેક લોકોમાંથી પાણી ગયું નથી; માટે મારા ઉપર જે આફત આવી પડી છે તેની તેઓને ખબર કરવી, તથા આવી વખતે મારી મદદ કરવાને સઘળા રજપૂતોને વિનંતિ કરવી.

એ પ્રમાણે વિચાર કરી કરણ રાજાએ કેટલાએક લેાકેાને પત્ર લખ્યા, અને ગુજરાતમાં સઘળે ઠેકાણે જાસુસો મોકલ્યા. થોડા દહાડા ગયા એટલે હથિયારબંધ રજપૂતો બાગલાણમાં આવવા લાગ્યા. કેટલાએક સામંતો પોતાના વગના માણસોને સાથે લઇને આવ્યા, અને એ પ્રમાણે એક મહીનામાં પાંચ હજાર માણસ એકઠાં થયાં, ધન્ય છે એ રજપૂતોને ! શાબાશ છે બીજા લડવા આવેલા લોકોને ? આ લડાઇમાં જીતવાની ઘણી જ થોડી આશા હતી; હારવાનો સંભવ ઘણો જ હતો; મોત તેઓના મ્હોં સામું તાક્યાં કરતું હતું; એવું છતાં પણ આ બહાદૂર લોકો પોતાના જીવની આશા મૂકીને મોતને મળવા સારુ પોતાનાં ઘરબાર, બઈરી, છેકરાં વગેરેને મૂકીને પોતાના જુના રાજાને મદદ કરવા આવ્યા ! કરણ હમણાં કાંઈ રાજા ન હતો, તેની તરફથી તેઓને કોઈ રીતનો ભય કિંવા લાભ ન હતો, તે કાંઇ તેઓને પગાર આપવાનો ન હતો, તેની તરફથી તેઓને કાંઈ પણ પ્રકારની આશા ન હતી, તેની પાસે તેઓને કશી વાતે નુકશાન પોહોંચાડવાની શક્તિ ન હતી, તે છતાં તેઓ શા માટે આવ્યા ? ફક્ત રાજા ઉપર પ્રીતિ, ફક્ત પોતાના દેશનું અભિમાન. અને ફક્ત પોતાના દેશીને સહાય થવાની ઉત્તમ વૃત્તિ. અરે ! એ સઘળું હમણાં આપણા દેશમાંથી જતું રહ્યું છે ! અને તે જવાથી જ આપણા લોકો આજ પરતંત્ર થયા છે.