પૃષ્ઠ:Karanghelo.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૦ )

ઠેકાણેથી તેઓનાં દેહેરાંમાંથી તેઓને કાઢી ફેંકી દીધા, તેઓનાં દેવાલય ઉપરને હજારો વર્ષનો ભોગવટો રદ કીધો, ઘણાંએક દેહેરાંઓ ભાંગી નાંખી તથા કેટલાંએકમાં થોડો ઘણો ફેરફાર કરી તેઓની મસજિદ બનાવી, અને જ્યાં ઘંટાનો અવાજ તથા શંખનાદ સંભળાતો હતો ત્યાં મુલ્લાં બાંગ પોકારવા લાગ્યા. બીજે કેટલેક ઠેકાણે ખાનગી લોકોનાં ઘરો તોડી પાડીને ત્યાં મસજિદો બાંધી, શેહેરની વચ્ચોવચ એક ઘણું જ શોભાયમાન તથા મોટું પંકાયેલું મહાદેવનું દેવસ્થાન હતું તે અલફખાંએ તોડાવી પાડીને ત્યાં જુમા મસજિદ બંધાવી. તે ઘણી જ મોટી તથા રોનકદાર હતી. તે ધોળા સંગેમરમરની બાંધેલી હતી, તથા તેમાં સ્તંભો એટલા બધા હતા કે તેઓને ગણવામાં ભુલ પડ્યા વિના રહે જ નહીં. એ મસજિદ તુટેલી ભાંગેલી હજી પણ છે. એ ઠેકાણે અલફખાં તથા મોટા મોટા અધિકારીઓ નિમાજ પઢવાને આવતા હતા.

એ પ્રમાણે આરંભમાં જ મુસલમાન લોકોએ હિન્દુ ઉપર જુલમ કીધો. જૈનમાર્ગી તથા શૈવમાર્ગીઓ બંને પોતાનું આદ્ય વેર ભૂલી જઈને એકઠા થઈ બંનેના ધર્મની આવી ખરાબી જોઈને અફસોસ કરવા લાગ્યા. જુલમની ફરિયાદ તે કોને કરે ? દિલ્હી તો ઘણું વેગળું પડ્યું, ત્યાં જઈ શી રીતે કરાય ? માટે જ્યારે તેઓને ફરિયાદ કરવાની જગા રહી નહી ત્યારે હરેક જુલમને પ્રસંગે પહેલાં તો તેઓ હુલ્લડ ઉઠાવવા લાગ્યા, પણ મુસલમાનેનું લશ્કર પાસે જ હતું તે તેઓના ઉપર તુટી પડતું, અને જરા પણ દયા રાખ્યા વિના તેઓને ઘાસની પેઠે વાઢી નાંખતું, આખરે તેઓનું કંઈ વળતું નહી. મફતના હજારો માર્યા જતા, અને એ પ્રમાણે સામે થવાથી જુલમ તો વધતો જતો, તેથી તેઓ ધીમે ધીમે બકરાં જેવા થઈને બેઠા. તેઓનો જુસ્સો નરમ પડી ગયો, તેઓનું શુરાતન નબળું પડવા લાગ્યું, અને તેઓની તલવાર તથા બીજાં લડાઈનાં શાસ્ત્રો કટાવા લાગ્યાં, બીચારા હિન્દુઓ ભાજી ખાઉ જેવા થઈ ગયા. લડવાને બદલે બડબડવાનું કામ વધારે ચાલ્યું. જેમ જેમ તલવાર કટાતી ગઈ તેમ તેમ જીભ વધારે તેજ થતી ગઈ,