પૃષ્ઠ:Karanghelo.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૧ )

અને ગુલામગીરી તથા જુલમ ઘણા દહાડા મુંગા મુંગા સહન કરવાથી જુઠું બોલવાની ટેવ, ઢોંગ, લુચ્ચાઈ, હલકાઈ, નબળાઈ, આળસ વગેરે ઘણાએક દુર્ગુણો એ લોકમાં આવ્યા. પરદેશી જુલમી રાજ્યમાં રહેવાથી એ સઘળા દુર્ગુણો આવ્યા વિના રહેતા જ નથી તે પ્રમાણે હિન્દુઓને થયું, અને તેઓનાં મન પર એટલા તો જોરથી ચાંહોટ્યા કે તેઓની અસર આજ પાંચસેં વર્ષ થવા આવ્યાં તો પણ છેક ગઈ નથી.

મલેક કાફુરનો હુકમ અલફખાંને પોહોંચતાં તેણે લડાઈની તૈયારી કરવા માંડી, અને થોડી મુદ્દતમાં તેણે દશ હજાર માણસ એકઠાં કીધાં. એટલું લશ્કર લઈને તે પાટણ શહેરથી નીકળ્યો. કરણ રાજા જ્યારે નવ વર્ષ ઉપર એવા જ કામને સારૂ પાટણ શહેરમાંથી છેલ્લી વારે ગયો ત્યારે લોકોને જેવો ઉમંગ હતો તથા તેના વિજયને વાસ્તે જેવી આતુરતા લોકોએ બતાવી હતી તેવું આ વખતે કાંઈ જ જોવામાં આવ્યું નહીં. રસ્તામાં લશ્કરના માણસો સિવાય બીજું કોઈ ન હતું. કોઈએ તેઓને આશીર્વાદ દીધો નહી, તથા કોઈએ પરમેશ્વર પાસે તેઓનો જય પણ માગ્યો નહી. લોકો ઘણા દિલગીરીમાં હતા, અને અંતઃકરણમાં એવું ચાહતા હતા કે એ સઘળું લશ્કર ધુળધાણી મળી જાય તો સારું, તેઓ માજી રાજાને રોજ રોજ સંભાર્યા કરતા હતા. અને તેને લીધે તેઓની કરણ ઉપર એટલી તો પ્રીતિ વધી ગઈ હતી કે તેની પ્યારી કુંવરી મુસલમાનોને હાથ ન જાય, તથા કરણની અને તેની મદદે ગયલા રજપૂતોની અને તમામ હિન્દુ લોકોની આબરૂ રહે એમ ઇચ્છતા હતા. પણ તેઓને આશા ઘણી થોડી હતી; તેઓ અલ્લાઉદ્દીન પાદશાહનો સ્વભાવ સારી પેઠે જાણતા હતા, તેઓને ખબર હતી કે જે વાત પાદશાહ મન ઉપર લેતો તે વાત તે પાર પાડ્યા વિના રહેતો જ નહીં; તેઓને માલુમ હતું કે મુસલમાનોનું સામર્થ્ય ઘણું હોવાથી જો આ લશ્કરથી ધારેલું કામ બનશે નહી તો બીજું લશ્કર મોકલશે અને કરણની પાસે તો થોડાં માણસો હતાં, તેથી તેઓ જો કપાઈ ગયાં તો તેઓની જગાએ બીજાં આવવાનાં નથી, તથા તેની આવી પડતી હાલતમાં તથા તેના શત્રુઓની આવી