પૃષ્ઠ:Karanghelo.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૨ )

ચઢતી અવસ્થામાં કોઈ રાજારાણા પણ તેને મદદ કરવાના નથી તેથી નિરાશ થઇને તેઓ પરમેશ્વર ઉપર ભરોસો રાખીને શું થાય છે, તે જાણવાની રાહા જોઈ બેશી રહ્યા.

એક મહીનામાં અલફખાં પોતાના લશ્કર સહિત બાગલાણ જવાના બે પહાડો વચ્ચેના એક સાંકડા રસ્તા આગળ આવ્યો. આગળ આપણે કહેલું છે કે બાગલાણની ચોતરફ મોટા ઉંચા પહાડો હતા, અને તે શહેરમાં જવાના ચાર દિશાએ ચાર રસ્તા હતા. એ રસ્તાઓ બે ઉંચા પહાડોની વચ્ચે થઈને હતા, અને તેઓ એવા તે સાંકડા હતા કે તેમાંથી ચાર પાંચ માણસો અને કેટલેક ઠેકાણે ઘણામાં ઘણાં દશ માણસો સાથે એક હારમાં ચાલી શકે, એ પ્રમાણે હોવાથી તેઓને બચાવ કરવો, એ સહેલું કામ હતું. એવે ઠેકાણે થોડા બહાદુર માણસો ઉભા રહે તો તેમનાથી દસ ગણાં માણસોને આવતાં તેઓ રોકી શકે. વળી પહાડોની ટોચ ઉપરથી બીજાં માણસો નીચેના લશ્કર ઉપર પુષ્કળ માર ચલાવી શકે અને નીચેના લોકો ઉપલાઓને ઘણું નુકશાન કરી શકે નહી, એ જ પ્રમાણે થરમૉપિલી આગળ થોડા જ યુનાની લોકોએ અસંખ્ય ઈરાનીઓને રોક્યા હતા, અને એ જ પ્રમાણે હમણાં ત્રણસેં રજપૂત સિપાઈઓએ પણ અલફખાંનું તમામ લશ્કર અટકાવ્યું.

કરણે પહાડોમાં થઈને બાગલાણમાં આવવાના સઘળા રસ્તા સાચવવા માણસો રાખ્યાં, અને એ પ્રમાણે નાકાબંધી કરી પોતે થોડાંએક માણસો સાથે રાખી પહાડોનાં મથાળાં ઉપર ફર્યા કીધું. જ્યારે તેને ખબર પડી કે ફલાણે નાકે દુશમન આવ્યા ત્યારે તે રસ્તાની બે બાજુ ઉપરના બે પહાડોની ટોચ ઉપર પોતાના માણસોને રાખી ઉભો રહ્યો. લડાઈને વાસ્તે સઘળી ગોઠવણ કીધી, તથા જુદા જુદા સામંતેાએ શાં શાં કામ કરવાં, લડાઈનો શી રીતે પ્રારંભ કરવો, શી રીતે તેને ચલાવવી, કોણે કોને મદદ આપવી, વગેરે ઘણોએક બંદોબસ્ત કીધો, અલફખાંએ થોડેક દૂર છાવણી નાંખી એક જાસુસ