પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦ )

જોધપુર વિગેરે બીજાં રાજ્યસંસ્થાનોમાંથી આવેલા સંધિવિગ્રહિકો, જેઓનું કામ લઢાઈ તથા સલાહ કરવાનું હતું, અને જે દરબારમાં તેઓ રહેતા હોય તેનાં કામકાજની ખબર પોતાના રાજાને કરવાનું હતું તેઓ, તથા સ્થાનપુરૂષો જેઓ પારકા રાજ્યમાં જઈ ત્યાંના રાજ્યની નોકરીમાં રહેતા અને ત્યાંની ખબર અંતર પોતાના રાજાને કરતા તેઓ પણ હતા. વળી ત્યાં સામંત એટલે લશ્કરી અમલદારો પણ બેઠેલા હતા, તેઓનો દરજજો તેઓના હાથ નીચે જેટલાં માણસ હોય તે પ્રમાણે ગણાતો હતો. તેએામાં મુખ્ય છત્રપતિ તથા નોબતવાળા એટલે જેઓના ઉપર છત્ર ધરી શકાય તથા જેઓની આગળ નોબત વાગી શકે તેઓ હતા. એક તરફ તલવાર, કટાર, બરછી, ઢાલ વિગેરે શસ્ત્રવાળા સિપાઈઓ હતા, એ સિવાય વેદિયા, પંડિત, જોશી વિગેરે વિદ્વાન બ્રાહ્મણો જુદા બેઠેલા હતા; અને એ સઘળાએાની સામેની બાજુએ ભાટ, ચારણો, ચિતારા, ઘોડા ઉપર બેસતાં શીખવનારા, નાચતાં શીખવનારા, ભાંડ, જાદુગરો, ઇત્યાદિ બેઠેલા હતા. વળી એક ઠેકાણે ગુણિકા અથવા વારાંગના પણ કીમતી વસ્ત્ર તથા આભુષણ પેહેરીને બેઠેલી હતી, અને તેની બેસવાની રીત, તેની આંખની ચપળતા, તથા તેના હાવભાવથી સઘળા મોહિત થતા હતા, એ પ્રમાણે તે દિવસે દરબાર ભરાયું હતું. એટલામા સોનાની છડીવાળા ચેાબદારો આગલ ચાલી “રાજાધિરાજ, ખમાખમાજી, અન્નદાતા” એવી નેકી પોકારતા સંભળાવવા લાગ્યા. તે શબ્દ સાંભળી દરબારમાંના લોકોને માલુમ પડ્યું કે રાજા પધારે છે. રાજા દરબારમાં આવતાં જ તમામ દરબારી લોકોએ ઉભા થઈ જુદી જુદી રીતે તેને માન આપ્યું. ચોબદારો વધારે બુમ પાડવા લાગ્યા, અને આખા દરબારમાં ગણગણાટ શબ્દ થઈ રહ્યો. રાજાજી ગાદીએ બેઠા, ચેાબદાર બીજા લોકોને અંદર આવવા ન દેવાને દરવાજા આગળ ઉભા રહ્યા, અને દરબારી લોકો પોતપોતાને ઠેકાણે બેઠા.

કરણ રાજાની ભરજુવાની હતી. તેની ઉમર ત્રીશ વર્ષની હતી. તેનું શરીર પરમેશ્વરની કૃપાથી, નાનપણથી અંગકસરત કીધાથી, પાતળું તથા જોરાવર હતું. તેની ચામડીને રંગ ઘઉંવર્ણો હતો. તે