પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૩ )

કરણની પાસે મોકલ્યો. અને તેને કહેવડાવ્યું કે “તમારે તમારી છોકરી જલદીથી અમારે સ્વાધીન કરી દેવી, એટલે અમે તમને કાંઈ પણ ઉપદ્રવ કીધા સિવાય પાછા ફરીશું, અને તેમ કીધાથી અમારા માણસનો, પૈસાનો, તથા વખતને જે બચાવ થશે તેને બદલો અપાવવાને અમે અમારા મુખ્ય સરદાર નાયબ મલેક કાફુરને તમારે વાસ્તે ભલામણ કરીશું. તે આ વાત પાદશાહને જણાવશે એટલે તમને માટે ફાયદો થયા વિના રેહેશે નહીં. માટે જો તમને તમારો તથા તમારા માણસોનો જીવ વહાલો હોય, જો તમારે આ નિષ્ફળ પ્રયત્ન કરવામાં પૈસા નકામા નાંખી ન દેવા હોય, અને તમારે જો સુખેથી રહેવું હોય તો અમારા કેહેવા પ્રમાણે તરત અમલ કરો, તમે અમથાં મોતનાં ફાંફાં મારો છો. તમે શું એમ ધારો છો કે તમારાં મુઠીમાં સમાય એટલાં માણસથી અમારૂં લશ્કર જીતાવાનું છે ? શું એક મોટી જોરાવર નદીનું પૂર હાથે વતી અટકાવી શકાશે ? આસમાન તુટી પડશે તેને પગે વતી ઝીલી લઈ પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરવાની મતલબથી ટીટોડી ઉંચા પગ રાખી સુવે છે તેના જેવી બેવકુફી તમારામાં છે, એમ હોવું જોઈએ તો નહીં, માટે ડાહ્યા થાઓ; વિચાર કરો; અને કોઈ બે અક્કલ, વિચાર વગરના માણસની શિખામણ ઉપરથી તમે આ મુડદાંઓ એકઠાં કરી મોત માગી લ્યો છો, બળતી આગમાં ઝંપાલાવાનું કરો છો, તથા કાળને વગર બોલાવે મળવા જાઓ છે, એ કામ એક કોરે મૂકો. જો તમે લડવા લાયક શત્રુ હોત તો તમારી સાથે હાથ મેળવવા અમે જરા પણ આચકો ખાત નહી. પણ તમારી આવી હાલતમાં તમારી સાથે લડતાં અમને શરમ લાગે છે, અમને ધિઃકાર આવે છે, અમને તમારી ઉપર દયા આવે છે. વળી તમને જીતવામાં આબરૂ શી ? સિંહે એક ઉંદર માર્યો એમાં કાંઈ સિંહની પ્રતિષ્ઠા વધતી નથી, માત્ર ઉંદરનો જીવ જાય છે. એક પેહેલવાને એક નાના બાળકને માર્યું તેમાં પહેલવાનની શોભા શી ? માટે આ લડાઈનો ઢોંગ મુકી દો, એવી છોકરાંની રમતથી અમે ડરવાના નથી. અમારા કહ્યા પ્રમાણે દેવળદેવીને આપી દો, મોડા કે વહેલાં એમ